રવિવાર, 24 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 9 ઑક્ટોબર 2020 (16:01 IST)

નવરાત્રિને લઇને નિતિન પટેલે કરી સ્પષ્ટતા, શેરી ગરબાને પણ મંજૂરી નહિ

ગુજરાત સરકાર દ્વારા નવરાત્રિથી લઈને દિવાળી સુધીના તહેવારો કેવી રીતે ઉજવવા તે અંગે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી હતી. જોકે, આ ગાઈડલાઈનમાં શેરી ગરબા યોજવા કે નહિ તે અંગે કોઈ સ્પષ્ટતા કરવામા આવી ન હતી. ત્યારે ગાઈડલાઈન જાહેર કર્યાંના થોડીવાર બાદ તરત સરકારે શેરી ગરબા અંગે પણ સ્પષ્ટતા કરી છે. 
 
નીતિન પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રિ ગરબા આયોજન અંગે કેટલીક વધુ સ્પષ્ટતા કરવાની કે રાજ્યમાં જાહેર કે શેરી ગરબા સહિત કોઈપણ પ્રકારના ગરબા યોજી શકાશે નહી. માત્ર માતાજીની મૂર્તિ કે ગરબી સ્થાપન કરીને પૂજા આરતી વધુમાં વધુ 200 વ્યક્તિઓની ઉપસ્થિતિમાં અને સોશીયલ ડિસ્ટસિંગ સહિતની એસ.ઓ.પીના પાલન સાથે કરી શકાશે. 
 
તે સિવાય કોઈ ગરબાના આયોજન કરી શકાશે નહી. માત્ર માતાજીની આરતી પૂજા જ કરી શકાશે, પ્રસાદ વિતરણ પણ નહિ કરી શકાય. સરકારની સ્પષ્ટ સૂચના બાદ હવે ગુજરાતમાં શેરી ગરબાનું આયોજન થઇ શકશે નહી તે સ્પષ્ટ થઇ ગયું છે. 
 
નીતિન પટેલે જણાવ્યું કે, એક ગામમાં 10 જગ્યાએ છૂટુંછૂટું કરવું હોય તો દરેક પોતપોતાની રીતે કરી શકશે. ગરબા માટે અમોએ મંજૂરી માટે લાંબી પ્રક્રિયા રાખી નથી. દિવાળી સુધીના તહેવારો અમે ધ્યાનમાં લીધા છે. એક પરિસરમાં 200થી વધુ લોકો નહીં રહી શકે. કોઈ પણ મંદિરમાં પણ કોઈ ટ્રાફિક ના થાય તે ધ્યાન રાખવું પડશે. કોમન પ્લોટ, મોટા પ્લોટ, હોલ, ટાઉન હોલ આ તમોની અમે વ્યાખ્યા કરી છે, જે હોલ હોય તેમા 200 લોકોને પ્રવેશ આપી ધાર્મિક પ્રોગ્રામ કરી શકાશે. હોલમાં કલાકારો પ્રોગ્રામ આપી શકશે.
 
16 ઓક્ટોબરથી અમલ થનારી રાજ્ય સરકારની નવી માર્ગદર્શિકા મુજબ કોઈપણ પ્રકારના ગરબાના આયોજનને રાજ્ય સરકારે મંજૂરી આપી નથી. આવામાં ખેલૈયાઓમાં નિરાશા પણ જોવા મળી છે, પરંતુ અનેક શહેરીજનોએ સરકાર દ્વારા કરાયેલા આ નિર્ણયને આવકાર્યો છે.