10મીએ રાહુલ ગાંધી દાહોદમાં, 11મીએ કેજરીવાલ રાજકોટમાં, આગામી સપ્તાહમાં મોદી આવે તેવી પણ શક્યતાઓ
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે. તમામ પક્ષો રેલીઓ અને સભા ગજાવી રહ્યા છે. ભારતીય જનાતા પાર્ટી, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિતના પક્ષો રાજ્યમાં તાબડતોડ તૈયારીઓ કરી રેલીઓ કરી રહ્યા છે. ત્યારે તા.10મી મેના રોજ કોંગ્રેસ પક્ષના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દાહોદમાં આદિવાસી અધિકાર સત્યાગ્રહનો પ્રારંભ કરાવશે. જ્યારે તા.11મેના રોજ રાજકોટમાં અરવિંદ કેજરીવાલ જાહેર સભા ગજવશે. આ ઉપરાંત વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી સપ્તાહે રાજકોટ આવે તેવી શક્યતાઓ છે.
મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું
આગામી સપ્તાહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌરાષ્ટ્રની મુલાકાત કરી શકે તેવી સંભાવના છે. વડાપ્રધાન મોદી રાજકોટમાં પાટીદાર ગ્લોબલ હોસ્પિટલનું લોકાર્પણ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. રાજકોટ નજીક આટકોટના કાર્યક્રમમાં હાજર રહેવાના સંકેત છે કારણ કે, આ કાર્યક્રમની વિગતો વડાપ્રધાન કાર્યાલયએ કલેકટર કચેરી પાસેથી માંગવામાં આવી છે. 40 કરોડના ખર્ચે નિર્માણ થયેલી પાટીદાર ગ્લોબલ હોસ્પિટલના લોકાર્પણ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.