કોંગ્રેસ નેતા બદરુદ્દીન શેખનું કોરોનાથી નિધન, રાહુલ ગાંધીએ દુઃખ વ્યક્ત કર્યું
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભૂતપૂર્વ વિપક્ષના નેતા તથા કોંગ્રેસ અગ્રણી બદરૂદ્દિન શેખનું કોરોના વાયરસના સંક્રમણથી મૃત્યુ થયું છે. તેમણે રવિવારે રાત્રે અંતિમ શ્વાસ ભર્યા હતા. 68 વર્ષીય શેખ એસવીપી હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહ્યા હતા. વાયરસના સંક્રમણનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદથી તેમની પરિસ્થિતિ ગંભીર થઈ ગઈ હતી. કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને તેમના નિધન પર દુઃખ વ્યક્ત કર્યું છે. રાહુલ ગાંધીએ ટ્વીટમાં કહ્યું કે ગુજરાત કોંગ્રેસ ના વરિષ્ઠ નેતા અને અમદાવાદ નગર નિગમમાં કોંગ્રેસના ધારાસભ્ય બદરુદ્દીન શેખજીનું કોરોના વાયરસના કારણે નિધન થયુ હોવાના સમાચાર સાંભળીને દુઃખ થયું. દુઃખના આ સમયમાં મારી સંવેદનાઓ તેમના પરિવાર અને પ્રીયજનો સાથે છે. ગુજરાત કોંગ્રેસ અને કોંગ્રેસ નેતા પરેશ ધાનાણીએ પણ ટ્વીટ કરીને બદરુદ્દીન શેખને શ્રદ્ધાંજલી અર્પી. ગુજરાત કૉંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ શેખના નિધન પર દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું કે, બદરૂદ્દીન શેખ આ મહામારી વચ્ચે પણ પ્રજા વચ્ચે રહીને તેમના કામ કરતા હતાં. તે દરમિયાન જ તેમને કોરોનાનો ચેપ લાગ્યો અને આજે આપણી વચ્ચે નથી રહ્યાં. ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. બદરૂદ્દીનભાઇ સાથે હું છેલ્લા 20 વર્ષથી સંકળાયેલો હતો. તેઓ નાનામાં નાના માણસને કઇ રીતે મદદરૂપ થાય તે માટે હંમેશા તત્પર રહેતા. તેઓ અમદાવાદ શહેરમાં કોમી એકતા માટે પણ વર્ષોથી કામ કરતા હતાં.