બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 મે 2022 (10:36 IST)

ગુજરાતની આ હોસ્પિટલ 'મિની એઇમ્સ' થી કમ નથી, જાણો કેવી છે સુવિધા

aatkot hospital
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28મી મેના રોજ ગુજરાતમાં સહકારી ક્ષેત્રના નેતાઓને સંબોધશે અને મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલને જનતાને સમર્પિત કરશે. સત્તાવાર કાર્યક્રમ મુજબ વડાપ્રધાન સવારે 10 કલાકે રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ ગામે શ્રી પટેલ સેવા સમાજ દ્વારા નિર્મિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે.
 
હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી ડો.ભરત બોઘરાએ જણાવ્યું હતું કે 200 બેડની કેડી પરવડિયા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ રાજકોટ-ભાવનગર હાઇવે પર આવેલી છે અને 40 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. બોઘરાએ જણાવ્યું હતું કે, “હોસ્પિટલથી રાજકોટ, બોટાદ, અમરેલી અને અન્ય આજુબાજુના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારોના લોકોને ફાયદો થશે. જેમની પાસે આયુષ્માન ભારત અને સરકાર દ્વારા જારી કરાયેલા અન્ય કાર્ડ છે તેમને અમે મફત સારવાર આપીશું. અમારી ફી શહેરોમાં જેટલી વસૂલવામાં આવે છે તેના માત્ર 30 ટકા હશે.  અહીં જનરલ વોર્ડમાં રોજના રૂ. 150ના ભાડામાં દર્દીને ત્રણ ટાઇમ પેટ ભરીને ભોજન પણ મળશે. હોસ્પિટલમાં OPD, સુપર સ્પેશિયાલિટી, રેડિયોલોજી, ICCU,ઓપરેશન થિયેટર, પેથોલોજી, ડાયાલિસિસ, એન્ડોસ્કોપી, ફિઝિયોથેરપી, NICU, PICU, કેથલેબ સહિતના આધુનિક વિભાગો કાર્યરત થશે. 
 
પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષે કહ્યું કે કાર્ડ વગરનો ગરીબ દર્દી સારવાર માટે આવે તો હોસ્પિટલ તેની પાસેથી એક રૂપિયો પણ નહીં લે. વડાપ્રધાન આ પ્રસંગે કાર્યક્રમને પણ સંબોધિત કરશે, જેમાં લગભગ બે લાખ લોકો ભાગ લઈ શકશે. એક અધિકારીએ જણાવ્યું કે મોદી 28 મેના રોજ સાંજે ગાંધીનગરમાં સહકાર સંમેલનમાં પણ હાજરી આપશે અને APMC, ડેરી અને અન્ય સહકારી મંડળીઓ જેવી વિવિધ સહકારી સંસ્થાઓના લગભગ 10,000 ચૂંટાયેલા પ્રતિનિધિઓને સંબોધશે.અહીં માત્ર 40થી 60 હજારમાં જ એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવશે. આ ઉપરાંત ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજનું રુ. 250, જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજનું રુ. 150 ભાડું જ વસૂલાશે.
 
ફુલટાઈમ ડોક્ટર તરીકે ગાયનેક તથા આબ્સ., સર્જરી, ઓર્થોપેડિક, પીડિયાટ્રિક, મેડિસિન, રેડિયોલોજી, પેથોલોજી, ડેન્ટલ અને ફિઝિયોથેરપી કાર્યરત રહેશે. જ્યારે વિઝિટિંગ સુપર સ્પેશિયાલિટી કન્સલ્ટન્ટ તરીકે નેફ્રોલોજી, કાર્ડિયોલોજી, ન્યુરોલોજી, ન્યુરો સર્જરી, રુમેટોલોજી, યુરોલોજી, ગેસ્ટ્રો સર્જરી, ઓન્ક્રોલોજી, ગેસ્ટ્રોલોજી, ક્રિટિકલ કેર સહિત 6 ઓપરેશન થિયેટરની પણ વ્યવસ્થા છે. જે વિભાગના નિષ્ણાત તબીબો દરરોજ ત્રણ કલાક ઉપસ્થિત રહેશે. 300 જેટલા તબીબી તેમજ નર્સિંગ સ્ટાફની ટીમ દર્દીઓની સેવા માટે તત્પર રહેશે.
 
આ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી 11 અને 12 માર્ચે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. જ્યાં પીએમે પંચાયતી રાજ સંમેલનની અધ્યક્ષતા કરી હતી. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે એક મેગા કાર્યક્રમ અને અન્ય અનેક કાર્યક્રમોમાં પણ ભાગ લીધો હતો. કોન્ફરન્સમાં એક વિશાળ જનમેદની જોવા મળી હતી, જેને ડિસેમ્બરમાં યોજાનારી ભાજપની વિધાનસભા ચૂંટણી માટે નરમ શરૂઆત તરીકે જોવામાં આવી રહી છે.