અશોક ગેહલોતના ભાજપ પર પ્રહારઃ ખેડૂતો માટે 630 કરોડનું સહાય પેકેજ ચૂંટણીલક્ષી છે
પાક નુક્સાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે જાહેર કરેલા 630 કરોડના સહાય પેકેજને લઇ રાજકારણ ગરમાયું છે.ત્યારે કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર પ્રહાર કર્યા.રાજસ્થાનના મુખ્યપ્રધાન અશોક ગેહલોતે સહાય પેકેજ સામે સવાલ ઉઠાવ્યાં અને કહ્યું વિધાનસભાની ચૂંટણી આવી રહી છે એટલે ભાજપ સરકારે ખેડૂતોને લોલીપોપ આપ્યો છે. ગુજરાતમાં ભાજપ વિરૂદ્ધ હવા બની ગઇ છે. હવે પેકેજ જાહેર કરવાથી કંઇ ફાયદો નહીં થાય.
રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા 630 કરોડનું સહાય પેકેજ જાહેર કર્યું છે. જેનો લાભ રાજ્યના 8 લાખથી વધુ ખેડૂત ખાતેદારોને મળશે. અંદાજે 9.12 લાખ હેક્ટર વિસ્તારમાં થયેલા પાક નુક્સાન સામે સહાય ચૂકવાશે. સહાયનો લાભ 14 જિલ્લાના અસરગ્રસ્ત 50 તાલુકા 2 હજાર 554 ગામના ખેડૂતોને મળશે. જે 14 જિલ્લામાં સહાય મળશે તેમાં છોટાઉદેપુર, નર્મદા, પંચમહાલ, નવસારી, વલસાડ, ડાંગ, તાપી, સુરત, કચ્છ, જૂનાગઢ, મોરબી, પોરબંદર, આણંદ અને ખેડાનો સમાવેશ થાય છે. 2022ની ખરીફ ઋતુમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને મોટાપાયે પાક નુક્સાન થયું હતું. જે અન્વયે આ સહાય પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાયનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમના પાકને 33 ટકા અને તેથી વધુ નુક્સાન થયું હશે. કેળ સિવાયના પાકમાં ખેડૂતોને હેક્ટર દીઠ રૂપિયા 6800 સહાય ચૂકવાશે. જ્યારે કેળના પાક માટે SDRFના બજેટમાંથી 13 હજાર 500 અને રાજ્ય સરકારના બજેટમાંથી 16 હજાર 500 મળીને કુલ 30 હજાર સહાય ચૂકવાશે.