ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 26 ઑગસ્ટ 2021 (13:19 IST)

સ્મશાન નહીં હોવાથી મૃતદેહને વરસાદમાં જોખમી રીતે નદી પાર કરીને અંતિમ ક્રિયા કરવા ગ્રામજનો મજબૂર

ડાંગ જિલ્લાનાં અંતરિયાળ ગામોમાં હજુ સુધી સ્મશાનભૂમિની સગવડ થવા પામી નથી. કોંગ્રેસના શાસનમાંથી મુક્ત થયેલા ડાંગ જિલ્લામાં હવે ભાજપનું શાસન આવ્યું છે છતાં પણ એના આદિવાસી સમાજની વર્ષો બાદ પણ સ્થિતિમાં ખાસ કઈ સુધારો આવ્યો નથી. આઝાદીથી આજસુધી પ્રાથમિક સુવિધાઓના નામે મીંડું રહેવા પામ્યું છે. લોકોના જીવનધોરણમાં કોઈ જાતનો ફેરફાર આવ્યો નથી. સ્મશાનભૂમિની વ્યવસ્થા નહીં હોવાને કારણે મૃતદેહને ચોમાસા દરમિયાન ધોધમાર વરસાદમાં જોખમી રીતે નદી પાર કરીને અંતિમ ક્રિયા કરવા માટે ગ્રામજનો મજબૂર બન્યાં છે.

વાત છે ડાંગ જિલ્લાના ભવાનદગડ ગ્રામપંચાયતમાં આવતા ખાપરી ગામે શિવાભાઈ ગગજીભાઈ વાઘમારેનું બીમારીને કારણે મૃત્યુ થતાં ગામલોકો તેમની અંતિમ ક્રિયા માટે ખાપરી નદી ઓળંગી ગળા સુધી ડૂબી સ્મશાનભૂમિમાં જતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. ગામની વસતિ 129 જેટલી છે છતાં પણ આ ગામમાં સ્મશાનભૂમિની વ્યવસ્થા નથી. નદી પાર કરીને સ્મશાનભૂમિમાં જતા હોય એવો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં ડાંગ જિલ્લાના વહીવટી તંત્ર અને રાજકીય આગેવાનો પર રોષની લાગણી વરસી રહી છે.ડાંગ જિલ્લાના અંતરિયાળ આદિવાસી વિસ્તારમાં જીવિત વ્યક્તિઓને સુવિધા મળતી નથી, ત્યારે મૃત અવસ્થામાં આવેલા મૃતકોને પણ સુવિધાથી વંચિત રહેવું પડે છે એવી વાત સોશિયલ મીડિયામાં વહેતી થઇ છે. અંતરિયાળમાં નદી પરના પુલના અભાવે નદી પાર કરી ડાધુઓ જીવના જોખમે મૃતદેહને સ્મશાન સુધી પહોંચાડી રહ્યા છે. ભારત દેશ ટેક્નોલોજીક્ષેત્રે હરણફાળ ભરી રહ્યું છે ત્યારે અંતરિયાળ ગામોની સ્થિતિ પણ એકવીસમી સદીમાં ઠેરની ઠેર રહેવા પામી છે. સરકાર કોઈપણ હોય, પણ આદિવાસીઓનું જીવનધોરણ હજી એ નિમ્ન સ્તરે જ રહેવા પામ્યું છે. ડાંગ જિલ્લાના આહવામાં સ્મશાનભૂમિની વ્યવસ્થા છે, જ્યારે અન્ય તાલુકા અને ગામડાંમાં મોટે ભાગે લોકો જાહેરમાં જ અંતિમવિધિની ક્રિયા કરતા હોય છે.  ડાંગ જિલ્લા કલેકટર ભાવિન પંડયાએ આ સમગ્ર મુદ્દે અજાણ હોવાની વાત કરી હતી અને તપાસ કરીને કહું છું એવું કહ્યું હતું.