બુધવાર, 13 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 જૂન 2022 (09:02 IST)

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયા મહત્વપૂર્ણ નિર્ણય, પાલનપુર અને મહેસાણા નવી સૈનિક સ્કૂલને મંજૂરી

રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં જાણો કયા મહત્વપૂર્ણ નિર્ણય લેવાયા, આ રહ્યો પીએમ મોદીનો ગુજરાત મુલાકાતનો કાર્યક્રમ
 
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું છે કે,મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. 
 
પ્રવક્તાએ મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની મીડિયાને વિગતો આપતાં કહ્યું હતું કે રાજ્યના યુવાનો સૈન્યમાં જોડાઈને પોતાની કારકીર્દિ ઘડીને દેશ સેવામાં જોડાય એ માટે કેન્દ્ર સરકાર દ્વારા પાલનપુર અને મહેસાણા ખાતે નવી સૈનિક સ્કૂલ શરૂ કરવા માટે મંજૂરી આપવામાં આવી છે, જેમાં પાલનપુર ખાતે બનાસડેરીમાં અને મહેસાણા ખાતે દૂધસાગર ડેરીમાં આ સૈનિક સ્કૂલ શરૂ કરવામાં આવશે. આ સૈનિક સ્કૂલમાં CBSC અભ્યાસક્રમ મુજબ શિક્ષણ કાર્ય અને સૈનિક તાલીમ આપવામાં આવશે. જેનો લાભ ઉત્તર ગુજરાત સહિત રાજ્યના હજારો યુવાનોને થશે.
 
પ્રવક્તા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું કે, આગામી તા.૧૦ જૂન-૨૦૨૨ના રોજ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગુજરાત પ્રવાસે આવશે. વડાપ્રધાનની વિશેષ ઉપસ્થિતિમાં નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના ખૂડવેલ ગામ ખાતે સવારે ૧૦:૧૫ કલાકે 'સમરસતા સંમેલન' કાર્યક્રમ યોજાશે. ત્યાર બાદ વડાપ્રધાન નરેંદ્ર મોદી બપોરે ૧૨:૧૫ કલાકે એ.એમ.નાઈક હેલ્થ કેર કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરશે. 
 
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે ૧૨.૨૦ કલાકે નિરાલી મલ્ટી સ્પેશ્યલિસ્ટ હોસ્પિટલનુ ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમ બાદ અમદાવાદ ખાતે પહોંચીને બપોરે ૩.૪૫ કલાકે વડાપ્રધાન ઇસરો ખાતે IN-SPECe(ઇન્ડિયન નેશનલ સ્પેસ પ્રમોશન એન્ડ ઓથોરાઇઝેશન સેન્ટર) હેડ ક્વાર્ટર બિલ્ડીંગનું ઉદ્દઘાટન કરશે. આ કાર્યક્રમમાં કેન્દ્રિય ગૃહ અને સહકારીતા મંત્રી અમિત શાહ પણ ઉપસ્થિત રહેશે.
 
પ્રવકતા મંત્રી જીતુભાઇ વાઘાણીએ જણાવ્યું હતું કે, રાજ્યનુ પ્રત્યેક બાળક શિક્ષણ મેળવે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપવા જાગૃત થાય તે આશયથી તત્કાલીન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિવંત આયોજન થકી રાજ્યમાં પ્રતિ વર્ષ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. જેના પરિણામે રાજ્યમાં બાળકોના ડ્રોપ આઉટ રેશિયોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.  
 
મંત્રી જીતુભાઇ વાઘાણી ઉમેર્યું કે, મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ ચાલુ વર્ષે રાજ્યના શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આગામી તા.૨૩ થી ૨૫મી જૂન-૨૦૨૨ દરમિયાન શાળા પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાનો કાર્યક્રમ તેમજ મંત્રીમંડળના સભ્યો, સંસદો, ધારાસભ્યો, આઈએએસ તથા આઈપીએસ સહિતના ઉચ્ચ સનદી અધિકારીઓના અધ્યક્ષસ્થાને જિલ્લા મથકોએ કાર્યક્રમ યોજાશે. 
 
આ દરેક મહાનુભાવો દિવસની ત્રણ પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ભૂલકાઓને પ્રવેશ અપાવશે. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલ પ્રકલ્પોની ક્લસ્ટર કક્ષાએ અને તાલુકા કક્ષાએ સમીક્ષા કરવામાં આવશે. જેમાં બાળકો નામાંકનની સ્થિતિ, ઓનલાઈન હાજરીની સમીક્ષા, ગુણોત્સવ-2.0ના પરિણામોની સમીક્ષા, એકમ કસોટી અને સત્રાંત કસોટીની સમીક્ષા, લર્નિંગ લોસ સંદર્ભે સમયદાનમાં થયેલ કામગીરી, કોરોનાકાળમાં શિક્ષણ માટે થયેલ ઓનલાઇન/ ઓફલાઇન કામગીરી, શાળાઓ તથા કલસ્ટરના ડ્રોપ આઉટની સમીક્ષા, મિશન સ્કૂલ ઓફ એકસેલન્સ અંતર્ગત થયેલ કામગીરીની સમીક્ષા કરાશે.
 
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું કે, રાજ્યમાં લીંબાયત, વરાછા, જશદણ, બગસરા અને પાલીતાણા ખાતે બિન આદિજાતિ વિસ્તારમાં નવી સરકારી કોલેજો શરૂ કરાશે. જેમાં લીંબાયત ખાતે નવી આર્ટ્સ, કોમર્સ અને વિજ્ઞાન કોલેજ, વરાછા, જશદણ ખાતે વિજ્ઞાન કોલેજ અને પાલીતાણા ખાતે આર્ટ્સ અને કોમર્સ કોલેજ શરૂ થશે. તે ઉપરાંત આદિવાસી વિસ્તારોમાં સંતરામપુર ખાતે વિજ્ઞાન પ્રવાહની નવી કોલેજ શરૂ કરાશે. જયારે કાછલ, ડેડીયાપાડા, ખેરગામ ખાતે વિજ્ઞાન પ્રવાહની અને ઉમરપાડા ખાતેની કોલેજોમાં વાણિજય અને વિજ્ઞાન પ્રવાહ શરૂ કરવામાં આવશે. 
 
રાજયમાં યોજાયેલ સુજલામ સુફલામ જળ અભિયાન-૨૦૨૨ અંતર્ગત જનભાગીદારી થકી ચાલુ વર્ષે કુલ ૧૮,૭૯૦ કામોનું આયોજન છે તે પૈકી આજ સુધી ૧૭,૮૮૦ કામો હાથ ધરી ૯૫ ટકા લક્ષ્યાંક સિદ્ધ કરી દેવાયો છે. છેલ્લા પાંચ વર્ષમાં સૌથી વધુ કામો ચાલુ વર્ષે થયા છે. જેના થકી ૨૦.૪૮ લાખ માનવદિન રોજગારીનુ નિર્માણ કરાયુ છે. જેમા ૧૦,૧૯૦ ચેક ડેમ અને તળાવો ઉડા કરાયા છે અને ૪૮૭ નવા તળાવો તથા ચેકડેમનુ નિર્માણ કરાયુ છે. આ અભિયાન અંતર્ગત જળસંગ્રહમાં ૨૩,૦૦૦ લાખ ઘન ફૂટનો વધારો થશે તે ઉપરાંત ૨૩,૦૦૦ લાખ ઘન ફૂટ ખોદકામમાંથી ખેડૂતો માટે માટીનો વપરાશ થયો છે.
 
મંત્રીએ રાજ્ય સરકારની સિંધુ દર્શન યોજના અંગે માહિતી આપતા જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીર રાજ્યના લેહ-લદ્દાખ ખાતે સિંધુ નદીના દર્શન માટેની સામાન્ય રીતે જૂન માસમાં યોજાતી સિંધુ દર્શન યાત્રા માટે ગુજરાતમાં વસવાટ કરનાર યાત્રિક દીઠ રૂ. ૧૫,૦૦૦ની આર્થિક સહાય મંજૂર કરવામાં આવે છે. આ યોજનાની શરૂઆતથી અત્યાર સુધી ૭૫૧ યાત્રિકોને આર્થિક સહાય પેટે કુલ રૂ.૧૧૨.૬૫ લાખ ચૂકવવામાં આવ્યા છે. 
 
તેવી જ રીતે ગુજરાતમાં આવેલા યાત્રાધામોના સિનિયર સિટીઝન સરળતાથી દર્શન કરી શકે તે અર્થે ગુજરાત સરકારે “શ્રવણ તીર્થ દર્શન યોજના” અમલમાં મુકેલી છે. ૬૦ વર્ષ કે તેથી વધુ વયના ગુજરાતના વતની ગુજરાતમાં આવેલા ધાર્મિક સ્થળોનો પ્રવાસ કરવા ઓછામાં ઓછા ૩૦ વરિષ્ઠ નાગરિકોનું ગ્રુપ બનાવીને પ્રવાસ કરે તો તેઓને એસ.ટી બસના નોન એ.સી બસના નોન એ.સી. સુપર બસ અથવા એસ.ટીની મીની બસના ભાડાની ૫૦ ટકા રકમ રાજ્ય સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. હાલના તબક્કે અત્યાર સુધીમાં કુલ ૧૭૯૯ બસો મારફતે ૮૯,૮૯૧ યાત્રાળુઓ દ્વારા આ યોજનાનો લાભ લેવામાં આવ્યો છે.