ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 23 એપ્રિલ 2021 (22:22 IST)

અમિત શાહે કરી મોટી જાહેરાત, ગાંધીનગર હેલીપેડ ખાતે ૧૨૦૦ બેડની કોવીડ હોસ્પિટલ બનશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે નવનિર્મિત ધન્વતરી કોવીડ હોસ્પિટલની મુલાકાત લઈ સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. કેન્દ્રીય ગૃહમંત્રીએ મુલાકાત બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી,નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને મુખ્ય સચિવ અનિલ મુકીમ સાથે પરિસ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય ગૃહમંત્રીએ મીડિયાને સંબોધતા કહ્યું હતું કે, હાલ સમગ્ર દેશમાં કોવીડનો બીજા વેવ ચાલી રહ્યો છે. આ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના નેતૃત્વમાં ગુજરાત સરકાર દ્વારા ઉત્તમ કામગીરી  કરવામાં આવી રહી છે. 
 
ગૃહમંત્રી અમિત શાહે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી કેટલાક અગત્યના નિર્ણયોની જાહેરાત કરી હતી. 
 
• જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આવતીકાલથી ધન્વતરી કોવીડ હોસ્પિટલનો આરંભ થશે. DRDO અને ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમને નિર્માણ પામેલી આ હોસ્પિટલમાં ૯૫૦ બેડની હશે, જેમાં ૨૫૦ આઈસીયુ બેડ હશે. જેમાં તમામ પ્રકારના ટેસ્ટની સુવિધા પણ ઉપ્લબ્ધ હશે.   
 
• ગાંધીનગર હેલીપેડ ગ્રાઉન્ડ ખાતે ટૂંક સમયમાં ટાટા ટ્રસ્ટના સહયોગથી ૧૨૦૦ બેડની હોસ્પિટલ શરુ કરાશે. જેમાં ૬૦૦ આઈસીયુ બેડ ઉપ્લબ્ધ હશે.  
 
• ગુજરાતમાં સ્વંયસેવી સંગઠનોની સહાયથી ઠેર-ઠેર આઈસોલેશન સેન્ટર શરુ કરાશે. જેથી ગરીબ અને મધ્યમવર્ગના લોકોને રાહત મળે. શહેરમાં કર્ણાવતી ક્લબ, એડીસી બેંક, ગુજરાત સ્ટેટ કો-ઓપરેટિવ બેંક, ઉમિયા પરિવાર ટ્ર્સ્ટ જેવી સ્વૈચ્છીક સંસ્થાઓએ આઈસોલેશન સેન્ટર માટે તૈયારી બતાવી છે. આ આઈસોલેશન સેન્ટરમાં પ્રાથમિક આરોગ્ય સુવિધા, દવાઓ અને આહાર વગેરેની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. 
 
• ગુજરાતની જનતાને ફ્રી મેડિકલ માર્ગદર્શન માટે હેલ્પલાઈન શરુ કરાશે. જેમાં ૫૦ થી વધુ સિનિયર તબીબો ટેલિફોનીક ગાઈડન્સ આપશે. જેની બે દિવસમાં શરુઆત થશે. જેમાં પ્રાથમિક લક્ષણો ધરાવતા કોવીડના દર્દીઓ સંપૂર્ણ માર્ગદર્શન તબીબો પાસેથી મેળવી શકશે. 
 
• આગામી બે દિવસમાં રાજ્યમાં મેડિકલ કન્સલન્ટસી શરુ કરાશે. જેનો લાભ લોકોને મળશે. 
 
• રસીકરણને વેગ આપવા માટે નક્કર આયોજન હાથ ધરાશે. 
 
• રસીકરણ ઝુંબેશના રસીનો બગાડ થતો અટકાવવા ઓડિટ હાથ ધરાશે. 
 
•  રેમડેસિવીર ઈન્જેક્શન અને ઓક્સિજનનો વ્યય અટકાવવા માટે વ્યૂહરચના ઘડાશે. 
 
ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે, કદાચ દેશમાં ગુજરાત એવું રાજ્ય છે કે જ્યા આઈસીયુ બેડની મહત્તમ સુવિધા છે. આ ઉપરાંત ગૃહરાજ્યમંત્રીએ રાજ્યની જનતાને આહવાન કર્યું હતુંકે આપણે સૌએ સાથે મળીને કોવીડ સામે વિજય પ્રાપ્ત કરીશું. આ તબક્કે ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની સ્થિતિ વિશે સતત જાણકારી મેળવી અને જરુરી માર્ગદર્શન આપી રહ્યા છે. 
 
ગૃહમંત્રીએ તબીબોને અપીલ કરતાં કહ્યું કે રેમડેસિવર ઈન્જેકશનની જરુર હોય તો જ ઉપયોગ કરવામાં આવે. તેમણે ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની ગાઈડલાઈનનું અનુસરણ કરવા માટેની તાકીદ કરી હતી. 
 
કેન્દ્રિય ગૃહમંત્રીની આ મુલાકાત વેળાએ મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ, મુખ્ય સચિવ અનિલ મુકિમ, મુખ્યમંત્રીના અગ્ર સચિવ કે. કૈલાશનાથન અને અન્ય ઉચ્ચ અધિકારી પણ ઉપસ્થિત રહ્યા હતા.