ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 25 જૂન 2018 (15:22 IST)

જાણો લોકસભાની ચૂંટણીમાં ભાજપના કયા સાંસદોની ટિકીટ કપાઈ શકે છે

ગુજરાત ભાજપની બેદિવસીય ચિંતન શિબિરના આજે અંતિમ દિવસે રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહીને લોકસભાની ચૂંટણી સંદર્ભે પક્ષના વર્તમાન એક ડઝન જેટલા સાંસદોને ફરી ટિકિટ ન આપવાના મુદ્દે વિચારણા કરવામાં આવે તેવી સંભાવના છે. ગુજરાત ભાજપની બેદિવસીય ચિંતન શિબિરનો તા. ૨૫મીને આજે છેલ્લો દિવસ છે. આ બેઠકમાં પક્ષના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ઉપસ્થિત રહીને લોકસભાની ચૂંટણી માટેની તૈયારીનો રોડમેપ પ્રદેશ સંગઠન સમક્ષ રજૂ કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. ભાજપની આ ચિંતન શિબિરમાં આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને પક્ષના અસંતુષ્ટ સભ્યોની નારાજગી અંગે તેમજ જે સાંસદો પોતાની નબળી કામગીરીને કારણે જનતામાં અળખામણા થયેલા છે તેવા સાંસદોના મામલે પણ ગંભીર ચિંતન અને ચર્ચા આજે કરવામાં આવશે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપ દ્વારા તાજેતરમાં કરાવેલાં પક્ષના સાંસદોના એક સરવેમાં ગુજરાતના કુલ 26માંથી અડધો ડઝન જેટલા સાંસદોની નબળી કામગીરીના કારણે તેમજ અન્ય અડધો ડઝન જેટલા સાંસદોની કારણોસર ટિકિટ કાપવામાં આવે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આ એક ડઝન જેટલા સાંસદોની ટિકિટ કાપીને તેમના સ્થાને કોને ટિકિટ આપવી તે અંગે પ્રદેશ સંગઠનમાંથી રજૂ કરવામાં આવેલા વૈકલ્પિક નામો પર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત પક્ષમાં છેલ્લા કેટલાક સમયથી નારાજ અને અસંતુષ્ટ છે તેવા સભ્યોને મનાવીને ગુજરાતનો ગઢ બચાવી રાખવા માટે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગુજરાત પ્રદેશ ભાજપના નેતાઓ સાથે સોમવારે તબક્કાવાર બેઠક યોજીને ચિંતન કરવામાં આવશે.લોકસભાની આગામી ચૂંટણીમાં ભાજપ દ્વારા જે સાંસદોની એક યા બીજા કારણોસર ટિકિટ કાપવામાં આવી શકે છે તેમાં એક ડઝન જેટલા સાંસદોનો સમાવેશ થઈ શકે છે. જેમની ટિકિટ કપાઈ શકે છે તેવા સંસદોમાં અમદાવાદ પૂર્વની બેઠકના સાંસદ અને અભિનેતા પરેશ રાવલ, અમદાવાદ પશ્ચિમની બેઠકના સાંસદ ડો. કિરીટ સોલંકી, ગાંધીનગર બેઠકના સાંસદ અને પૂર્વ નાયબ વડાપ્રધાન એલ.કે.અડવાણી, અમરેલી બેઠકના નારણ કાછડિયા, કચ્છ બેઠકના વિનોદ ચાવડા, મહેસાણા બેઠકના જયશ્રીબેન પટેલ, પાટણ બેઠકના લીલાધર વાઘેલા, સુરેન્દ્રનગર બેઠકના દેવજી ફતેપુરા, ભરૂચ બેઠકના મનસુખ વસાવા, વલસાડ બેઠકના કે.સી.પટેલ, સુરત બેઠકના દર્શનાબેન જરદોષ, સાબરકાંઠા બેઠકના દીપસિંહ રાઠોડની ટિકિટ નબળી કામગીરી તેમજ સ્થાનિક જનતામાં રહેલા અસંતોષના કારણે કપાઈ શકે છે. આ ઉપરાંત પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયાની નાદુરસ્ત તબિયતના કારણે તેમના સ્થાને પક્ષ નવા વિકલ્પની વિચારણા કરી શકે છે. જ્યારે પંચમહાલ બેઠકના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણના વાણી-વિલાસના કારણે પણ તેમના સ્થાને ભાજપ નવો વિકલ્પ વિચારી રહ્યું છે.