સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 ડિસેમ્બર 2017 (12:55 IST)

નર્મદાનું પાણી બંધ થયું તો ગાંધીનગરમાં સીએમના ઘરનું કનેકશન કાપીશું - અલ્પેશ ઠાકોર

રાધનપુર બેઠક ઉપરથી વિજયી થયેલા ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનો અભિવાદન સમારોહ બુધવારે યોજાયો હતો. જેમાં તેઓએ નર્મદા નહેરમાં પાણી સપ્લાય બંધ કરવામાં આવશે તો 1000 ટ્રેક્ટર ભરી ગાંધીનગર જઈને મુખ્યમંત્રી રૂપાણીના ઘરનું પાણીનું કનેક્શન કાપી નાંખીશું તેવો લલકાર કર્યો હતો. અલ્પેશે જણાવ્યું કે નર્મદાના પાણી બંધ કરવામાં આવે તો ખેડૂતોના પાકને ચોથું પાણી ન મળે અને પાક સદંતર નિષ્ફળ જાય. તેમણે રાધનપુરને જિલ્લો બનાવવા માટે પણ મક્કમ પ્રયાસો કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.

ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે ચૂંટાયા બાદ પ્રથમ સભામાં જણાવ્યું હતું કે મારે ગરીબોના પ્રશ્ને કામ કરવું છે. અહીં તમારો દીકરો બનીને આવ્યો છું. પરંતુ વિધાનસભામાં હું બાપ બનીને કામ કરીશ. આ વિસ્તારના ગુંડાઓ અને રાજકીય ગુંડાઓને આકરા શબ્દોમાં ચેતવ્યા હતા અને કહ્યું કે હું કોઈનાથી ડરતો નથી. રાધનપુર વિધાનસભા વિસ્તાર માટે ધારાસભ્યને મળતી ગ્રાન્ટ વાપરવા માટે સંકલન સમિતિ બનાવવામાં આવશે. સમિતિ 80 ટકા રકમ સુધી ગરીબ લોકોના ભલા માટે વાપરે તેવી ઈચ્છા રાખું છું. પૈસા કે ખુરશી મારું લક્ષ નથી. ગરીબોનો વિકાસ જ મારુ લક્ષ છે. રાધનપુર પાલિકામાં વાલિયા લૂંટારા બેઠા છે તે રીતસર લૂંટ ચલાવી રહ્યા છે.