સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 9 ઑક્ટોબર 2019 (12:14 IST)

અલ્પેશ અને ધવલસિંહની ઉમેદવારી સામે કેસ કરનારે પોતાના જ વકીલ પર આક્ષેપ કરી ફિનાઇલ પીધું

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાને ચૂંટણી લડતાં રોકવાની પિટિશનમાં રોજ નવા વળાંકો આવી રહ્યા છે. મંગળવારે પણ એક નવો વળાંક આવ્યો છે. પિટિશન કરનારા સુરેશ સિંઘલ દ્વારા તેમના જ વકીલ વિરુદ્ધ આક્ષેપો કરવામાં આવ્યા હતા અને એક ખાનગી ચેનલને ઇન્ટરવ્યૂ આપતી વખતે ફીનાઈલ પીને આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો. તો સામે તેમના વકીલ ધર્મેશ ગુર્જરે પણ સુરેશ સિંઘલ સામે પ્રતિ આક્ષેપો કરી અને આ કેસમાંથી ખસી જવામાં આવશે અને સુરેશ સિંગલ વિરુદ્ધ તે પોલીસ ફરિયાદ નોંધાવશે તેવું પ્રેસ કોન્ફરન્સ કરી જણાવ્યું. અલ્પેશે મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે તેવો આરોપ સુરેશ સિંગલે લગાવ્યો છે. અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિરુદ્ધ હાઇકોર્ટમાં અરજી કરનાર સુરેશ સિંઘલે મંગળવારે અલ્પેશ ઠાકોર અને પોતાના વકીલ ઉપર સનસનીખેજ આરોપ લગાવ્યો હતો. સુરેશ સિંઘલે કહ્યું કે, અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાએ મારા જ વકીલ સાથે મળીને મારી સામે ષડયંત્ર રચ્યું છે. તો સામે વકીલ ધર્મેશ ગુર્જરે આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં તેણે જણાવ્યું હતું કે મારે અલ્પેશ ઠાકોર કે ધવલસિંહ ઝાલા સાથે કોઈ પણ પ્રકારના સંબંધો નથી. હું તેમને ક્યારેય મળ્યો નથી કે મારી પાસે એનો કોઈ કોન્ટેક્ટ નંબર નથી કે જેથી કરીને એમના સંપર્કમાં આવી શકું માટે મારા ઉપર કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે તેમના ઉપર જે પૈસા લેવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે તે પૈસા તેમને સુરેશ સિંઘલે તેમની 11 લાખની વકીલાતની ફી પેટે આપ્યા હતા. જેની રીસીપ્ટ તેમણે સુરેશ સિંઘલને આપી છે. આ સાથે ધર્મેશે જણાવ્યું હતું કે મારા ઉપર લગાવેલા પાયાવિહોણ આક્ષેપોને કારણે હું બુધવારે હાઇકોર્ટમાં પિટિશનની સુનાવણી છે તે દરમિયાન આ કેસમાંથી રાજીનામું આપી દઈશ. સાથે સાથે એમ પણ આક્ષેપ કર્યો હતો કે સુરેશ સિંઘલને તેના આકાઓ જે દિલ્હીમાં બેઠાં છે તેમના તરફથી 200 કરોડની ઓફર કરવામાં આવી છે જેથી સુરેશ સિંઘલ આ કેસને જેટલો બને એટલો વધુ ચગાવે.   મંગળવારે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા સામે સુરેશ સિંઘલે ગંભીર આરોપ લગાવ્યા હતા. સુરેશ સિંઘલે અલ્પેશ અને ધવલસિંહ પર હાઇકોર્ટમાં પિટિશન કરનારને લાલચ આપવાનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. આ સિવાય સમાજના નામે રાજકીય રોટલા શેક્યાના આરોપ લગાવી રાજનીતિમાં ભૂકંપ લાવી દીધો છે. સુરેશ સિંઘલે કરેલી અરજીમાં એડવોકેટ ધર્મેશ ગુર્જરે એવી દલીલ કરી હતી કે, આગામી 21મી ઓકટોબરે યોજાનારી રાધનપુર અને બાયડની બે બેઠક પર અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલાની ઉમેદવારી રદ થવી જોઇએ. બન્નેને ગેરલાયક ઠેરવવા વિધાનસભા અધ્યક્ષ પાસે કોગ્રેંસની અરજી પેન્ડિંગ છે.