શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 16 માર્ચ 2018 (15:00 IST)

ખાનવાડીની પ્રાથમિક શાળામાં 16 વર્ષથી વિજળી કનેકશન જ નથી

અમદાવાદમાં આકરા ઉનાળાની શરુઆત થઈ ગઈ છે અને આવી ધોમધખતી ગરમીમાં કોઈ પળવાર પણ ન રહી શકે ત્યારે અમદાવાદની એક સરકારી પ્રાથમિક શાળા એવી છે કે જ્યાં 16 વર્ષથી લાઈટ કનેકશન જ નથી. વિદ્યાર્થીઓ કાળઝાળ ગરમીમાં અભ્યાસ કરવા મજબુર બન્યા છે. આ વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ધોમધખતી ગરમીમાં અભ્યાસ કરી રહ્યાં છે. આ છે અમદાવાદના રામોલ વિસ્તારની ખાનવાડી સરકારી પ્રાથમિક શાળાની અસલિયત. શાળામાં છતાં પંખે વિદ્યાર્થીઓ ચોપડીનો પંખો બનાવી શરીરને ઠંડક આપી રહ્યાં છે. અહીં દેખાવમાં શાળાનું સુંદર બાંધકામ તો છે. શાળામાં ટ્યુબલાઈટ અને પંખા પણ છે.

આ સિવાય બાળકોને પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે આર.ઓ. સિસ્ટમ પણ છે. જોકે વીજ કનેકશનના અભાવે શાળાના મકાનમાં આ તમામ સાધનો શોભાના ગાંઠિયા બન્યા છે. ચોંકાવનારી વાત તો એ છે કે શાળામાં વીજકનેકશનની આ સમસ્યા એક બે વર્ષની નહિ પરંતુ છેલ્લા 16 વર્ષથી છે. જીલ્લા પંચાયત હસ્તકની આ સ્કુલની સ્થાપના વર્ષ 2002માં થઇ હતી. છેલ્લા ઘણા વર્ષોથી આ શાળા કાચા બાંધકામમાં ચાલતી હતી અને ત્યારે પણ અહી વીજ કનેક્શનની વ્યવસ્થા નહોતી. 4 મહિના પહેલા જ અહી નવું મકાન બંધાયું છે પરંતુ હજુ સુધી લાઈટ કનેક્શન આવ્યું નથી. સ્કુલના આચાર્ય અને શિક્ષકો દ્વારા રજૂઆત તો ઘણી કરી છે પણ પરિણામ આવ્યું નથી. જોકે અધિકારીઓના ડરથી આચાર્ય અને શિક્ષકો જાહેરમાં આ મામલે કોઈ કમેન્ટ કરવા તૈયાર નથી.