પેટ્રોલ અને ડિઝલ મોંઘા થતાં અમદાવાદની BRTS-AMTSમાં એક અઠવાડિયામાં 30% પેસેન્જર વધ્યા
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાને કારણે શહેરમાં ખાનગી વાહનોના વપરાશ પર અસર પડી છે અને લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળ્યા છે. છેલ્લા એક સપ્તાહ દરમિયાન બીઆરટીએસની બસમાં રોજના સરેરાશ 30 હજાર પેસેન્જર વધ્યા છે.બીઆરટીએસના અધિકારીઓએ કહ્યું કે, માર્ચમાં રોજ સરેરાશ 1.50 લાખ પેસેન્જર મુસાફરી કરતા હતા. પરંતુ એપ્રિલના પહેલાં અઠવાડિયા સુધીમાં આ સંખ્યા 1.80 લાખે પહોંચી ગઈ હતી. એ જ રીતે એએમટીએસમાં મુસાફરોની દૈનિક સંખ્યામાં 1.10 લાખનો વધારો થયો છે.
એએમટીએસના રોજના સરેરાશ 3.25 લાખ લોકો મુસાફરી કરતા હતા. જે વધીને દૈનિક સરેરાશ 4.35 લાખે પહોંચી ગઈ છે. બંને ટ્રાન્સપોર્ટ સર્વિસમાં મળીને પેસેન્જરની સંખ્યામાં સરેરાશ 30 ટકાનો વધારો થયો છે.સામાન્ય માણસ નોકરી તેમજ અન્ય કામ અર્થે ખાનગી વાહનનો ઉપયોગ કરે તો રોજ અંદાજે રૂ.100 કે તેથી વધુ ખર્ચ થાય. પરંતુ બીઆરટીએસ કે એએમટીએસમાં મુસાફરી કરે તો રૂ.25થી 30માં ચાલી જતું હોય છે. પેટ્રોલ-ડીઝલના સતત વધતા જતા ભાવને કારણે લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટ તરફ વળી રહ્યા છે. આ સાથે બીઆરટીએસ-એએમટીએસને થતી આવક પણ વધી છે.