રથયાત્રા અગાઉ અમદાવાદની મહિલા પોલીસ પોળની મહિલાઓને શંકાસ્પદ વ્યક્તિ કેવો દેખાય તેની ટ્રેનિંગ આપે છે
રથયાત્રા માર્ગમાં આવતી પોળમાં રહેતી મહિલાઓ પોલીસ સાથે સંકલન કરશે અને તમામ ગતિવિધિની માહિતી આપશે
ચાર મહિલા ડીસીપી, બે એસીપી કક્ષાના અધિકારીઓ શહેરની પોળો, ગલીઓમાં મહિલાઓ સાથે બેઠક કરી રહી છે
શહેરમાં આગામી 20મી જૂને ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. આ સમયે રથયાત્રામાં કોઈ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો પોલીસને હવે એક નવો સોર્સ મળી ગયો છે. રથયાત્રા માર્ગમાં આવતી પોળ અને મકાનોમાં રહેતી મહિલાઓ પોલીસ સાથે સંકલન કરશે અને તમામ ગતિવિધિની માહિતી આપશે. મહિલા અધિકારીઓ મહિલાઓ પાસે જઈને શંકાસ્પદ વ્યક્તિ કેવો દેખાય તેની ટેકનિક પોળોની મહિલાઓને શીખવી રહી છે.
પોલીસની પોળની મહિલાઓ સાથે બેઠક
સામાન્ય રીતે રથયાત્રા પહેલા ઘણી જગ્યાએ હથિયારો પકડાતા હોય છે અથવા કોઈ શંકાસ્પદ લોકો શહેરી વિસ્તારમાં આવીને રહેતા હોય ત્યારે પોલીસ રેડ કરીને તેમને પકડતી હોય છે. આ તમામ ગતિવિધિ પોલીસને તેના ઇન્ફોર્મર પાસેથી મળતી હોય છે. પરંતુ ઘણી એવી જગ્યા હોય છે જ્યાં પુરુષો થાપ ખાઈ જાય પણ મહિલા ક્યારેય થાપ ખાતી નથી અને આ વાત પોલીસને ખબર પડી છે. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ વિસ્તારમાં થાય તો વિસ્તારની મહિલાઓને તરત જ તેનો અણસાર આવી જાય છે. અમદાવાદ શહેરમાં ચાર મહિલા ડીસીપી, બે એસીપી કક્ષાના અધિકારીઓ શહેરની પોળો, ગલીઓમાં મહિલાઓ સાથે બેઠક કરી રહી છે. તેઓ શહેરની અલગ અલગ પોળ અને ગલીઓમાં જાય છે અને મહિલાઓ સાથે મિટિંગ કરે છે.
મહિલાઓને પોતાની સાથે જોડવાનો પ્રયાસ
રથયાત્રા પહેલા શહેરમાં અગાઉ શાંતિ સમિતિની મિટિંગ અને અલગ અલગ કમિટીઓની મિટિંગ થતી હતી. પરંતુ આ વખતે પોલીસને ખાસ કરીને મહિલાઓને જ પોતાની સાથે જોડવાનો પ્રયાસ કર્યો છે. મહિલાઓ પોતે પોતાના વિસ્તારથી સૌથી વધુ પરિચિત હોય છે.આગામી સમયમાં પણ આ પ્રકારની વ્યવસ્થા થાય એ માટે એક આખું નેટવર્ક પોલીસ ફોર્સ માટે ઉભું થશે. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર શહેરના મહિલા અધિકારીઓ દ્વારા મહિલાઓને સાથે મળીને રથયાત્રામાં એકબીજા સાથે વાતાવરણ સારુ રહે તે પ્રયાસ કરવામાં આવ્યો છે. મહિલાઓ આસપાસની ગતિવિધિથી સૌથી પહેલા પ્રભાવી થાય છે અને તેની માહિતી પણ તેમની પાસે હોય છે. જેને પોલીસની સાથે તેઓ વિશ્વાસ કેળવીને આપ-લે કરે તો એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી થઈ શકે છે.