અમદાવાદના મણિનગરમાં ત્યજી દેવાયેલી હાલતમાં એક બાળકી મળી આવી
અમદાવાદમાં હાડ થીજવતી ઠંડીમાં વહેલી સવારે જોગણી માતાના મંદિરના ઓટલે ત્યજી દીધેલી હાલતમાં એક રડતી બાળકી મળી આવી હતી. આસપાસના લોકોએ દરગાહમાં લઈ જઈ આ બાળકીને દૂધ પીવડાવી કોઈ લઈ જશે તેમ સમજી સાચવી રાખી હતી. આ મુદ્દે મણિનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.શહેરના મણિનગર વિસ્તારમાં મચ્છી પીરની દરગાહ પાસે રહેતા મહેમૂદભાઈ શેખ કાગડાપીઠમાં આવેલી એક કાપડની દુકાનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. રવિવારે સવારે તેઓ સુતા હતા ત્યારે દરગાહ પાસે ફૂટપાથ પર રહેતા દિવાળી બેને આવી તેમને બૂમો પાડી જણાવ્યું કે, દરગાહની બાજુમાં આવેલા જોગણી માતા અને હડકવાઈ માતાના મંદિરના ઓટલા પર બાળકના રડવાનો અવાજ આવે છે. મહેમૂદભાઈના પરિવારજનોએ જઈને જોયું તો એક એક ગોદડીમાં ઢાંકેલું બાળક હાડ થીજવતી ઠંડીમાં રડતું હતું.ગોદડી હટાવીને જોયું તો તેમાં 10થી 12 દિવસની તાજી જન્મેલી બાળકી હતી. આ બાળકીને ઉઠાવીને મહેમૂદભાઈ સહિતના લોકો દરગાહમાં લઇ ગયા હતા અને ત્યાં બાળકીને દૂધ પીવડાવી શાંત કરી હતી. મહેમૂદભાઈ સહિતના લોકોને થયું કે કોઈ બાળકી મૂકી આસપાસમાં ગયું હશે. જોકે, લાંબા સમય સુધી બાળકીને લેવા માટે કોઈ ન આવતા તેમણે મણિનગર પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મુદ્દે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.