પુત્રની હત્યા કેસમાં માતા-પિતા અને દીકરીના પોલીગ્રાફી ટેસ્ટને કોર્ટની મંજૂરી
અમદાવાદના મેઘાણીનગરમાં પુત્રની આત્મહત્યા કેસમાં નવો વળાંક આવ્યો હતો અને વર્ષ 2017માં પરિવારે જ પુત્રની ગળું દબાવી હત્યા કરી હોવાની ફરિયાદ પોલીસે નોંધી હતી. જો કે, પરિવારના સભ્યો તપાસમાં સહકાર ન આપવા હોવાથી વર્ષ 2018માં પોલીસે માતા-પિતા અને દીકરીના પોલીગ્રાફ ટેસ્ટ માટે અરજી કરવામાં આવી હતી. કોર્ટમાં પરિવારે ટેસ્ટ માટે સંમતી આપતા મેટ્રોપોલિટન કોર્ટે અરજી ગ્રાહ્ય રાખી છે. જેથી આગામી દિવસોમાં પુત્રની હત્યા કેસમાં માતા-પિતા અને પુત્રનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવશે. મેઘાણીનગર વિસ્તારમાં રહેતા બ્રિજભાણસિંગ ભદોરિયાએ મેઘાણીનગર પોલીસને 1 ઓગસ્ટ 2016ના રોજ જાણ કરી હતી કે, પુત્ર સુરેશસિંગે કોઇ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી છે. પોલીસે પ્રાથમિક તપાસ કરતા ઘરમાં ઝઘડો થયો હોવાની વિગત જાણવા મળી હતી. જેથી પોલીસે તે સમયે અકસ્માતે મોતનો ગુનો નોંધા લાશને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપી હતી. તબીબોએ પોસ્ટ મોર્ટમ કરી એવો રિપોર્ટ આપ્યો હતો કે, મરનારનું મોત ઝેર પીવાથી નહીં પરંતુ ગળું દબાવવાથી થયું છે. જેથી આ મામલે મેઘાણીનગર પોલીસે ડિસે. 2017માં હત્યા, પુરાવાનો નાશ સહિતની કલમ હેઠળ પિતા બ્રીજભાણસિંગ, માતા સંતોષી દેવી, પુત્ર સવિતા સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે આ મામલે પરિવારના સભ્યોની પૂછપરછ કરી હતી. જેમાં પરિવારના સભ્યો વચ્ચે ઝઘડો થયો હોવા સહિતના કારણો જાણવા મળ્યા હતા. પોલીસે આ અંગે માતા-પિતા અને દીકરીનો એસડીએસ(સસ્પેક્ટ ડિટેક્ટિવ ટેસ્ટ) અને એલ.વી.એ.ટેસ્ટ કરાવ્યો હતો. પરંતુ તેમાં પણ તમામના નિવેદન વિરોધાભાસ જણાઇ આવ્યો હતો. જેથી પોલીસે ત્રણેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા કોર્ટમાં અરજી કરી હતી. જેથી કોર્ટે ત્રણેનો પોલીગ્રાફ ટેસ્ટ કરવા આદેશ કર્યો છે.