શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શનિવાર, 16 ડિસેમ્બર 2023 (18:12 IST)

અમદાવાદમાં AMC સંચાલિત શાળામાં શિક્ષિકાએ કિશોરીને મારતા હાથ સોજી ગયો

ahmedabad govt. school
ahmedabad govt. school
અમદાવાદના અસારવા વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કન્યા શાળાની શિક્ષિકા દ્વારા ધોરણ 6માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને માર માર્યો હોવાની ઘટના સામે આવી છે. શિક્ષિકાએ વિદ્યાર્થિનીનીને જમણા હાથમાં લાકડી મારી હતી. જેના કારણે તેના હાથ ઉપર સોજો આવી ગયો હતો. શિક્ષિકાના મારથી વિદ્યાર્થિનીની એટલી ગભરાઈ ગઈ હતી કે તે છેલ્લા 3 દિવસથી સ્કૂલે જવાની ના પાડી ગુમસુમ રહેતી હતી. જેથી આજે સવારે તેના માતા-પિતા તેને દવાખાને લઈ ગયા હતા. વિદ્યાર્થિનીનીના માતા પિતાએ શિક્ષિકા અને સ્કૂલ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી છે.

શહેરના અસારવા વિસ્તારમાં ખુશાલભાઈ બજાણીયા તેમના પરિવાર સાથે રહે છે. તેમની 11 વર્ષની દીકરી અસારવા ચકલા ખાતે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કન્યા શાળા નંબર 3માં ધોરણ 6માં અભ્યાસ કરે છે. 4થી 5 દિવસ પહેલા તેમની દીકરીને શ્વેતાબેન નામની શિક્ષિકા દ્વારા તને લખતા વાંચતા નથી આવડતું એમ કહી જમણા હાથ ઉપર લાકડી મારી હતી. લાકડી મારવાના કારણે વિદ્યાર્થિનીને ઈજા થઈ હતી, ત્યારબાદ તે ઘરે આવી અને તેની માતાને વાત કરી હતી. જોકે તે સમયે માતાએ બહુ વધારે નહીં વાગ્યું હોય તેમ માની ગણકાર્યું નહોતું.માર મારવાની ઘટના બાદ વિદ્યાર્થિનીની ખૂબ જ ગુમસુમ રહેતી હતી અને તેણે તેની માતાને કહી દીધું હતું કે, હું સ્કૂલે જઈશ નહીં. બે દિવસ બાદ જ્યારે વિદ્યાર્થિનીનીના હાથ ઉપર સોજો આવવા લાગ્યો અને તેને વધારે ઇજા થઈ હોવાનું જણાતા તેની માતા સ્કૂલમાં આ બાબતે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે સ્કૂલના પ્રિન્સિપાલ ભારતીબેન દ્વારા તેઓને સમજાવવામાં આવ્યા હતા અને અમે શિક્ષિકાને આ બાબતે ઠપકો આપ્યો હોવાનું કહ્યું હતું. પ્રિન્સિપાલે શિક્ષિકાનો બચાવ કરતા એમ કહ્યું હતું કે, તે ક્યાંય પડી ગઈ હશે અને આ વધારે થયું હશે.