શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 25 જૂન 2021 (15:27 IST)

અમદાવાદ શહેરની ફાયર NOC વગરની ત્રણ હજાર બિલ્ડિંગ સામે પોલીસ ફરિયાદની તૈયારી

અમદાવાદમાં ત્રણ હજારથી વધુ હાઈરાઈઝ કોમર્શિયલ, કોમર્શિયલ કમ રેસિડન્સ અને રેસિડન્સ બિલ્ડિંગો છે જેની પાસે ફાયર એનઓસી નથી. આગામી દિવસોમાં આ બિલ્ડિંગ સંચાલકોએ ફાયર સેફ્ટીના સાધનો વસાવી લેવા પડશે અથવા પોલીસ ફરિયાદ માટે તૈયાર રહેવું પડશે. અમદાવાદ ફાયર વિભાગના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરની અંદાજે 5700 હાઈરાઈઝ બિલ્ડિંગોને આઈડેન્ટિફાય કરાઈ છે, જેમાંથી અત્યાર સુધીમાં 2246ને નોટિસ અપાઈ ચૂકી છે.

ફાયર એનઓસી નહીં લેનાર બિલ્ડિંગો સામે પોલીસ ફરિયાદ ઉપરાંત વીજળી, પાણીનું જોડાણ કાપવા તેમજ સીલિંગ, દંડ વસૂલાત સુધીના પગલાં લેવાશે. અત્યાર સુધીમાં શહેરની 1311 રેસિડન્સ, 411 કોમર્શિયલ કમ રેસિડન્સ અને 297 કોમર્શિયલ હાઈરાઈઝ બિલ્ડિંગોને ફાયર વિભાગે નોટિસ આપી છે. આ બિલ્ડિંગોને 15 દિવસ સુધીમાં ફાયરના સાધનો વસાવી લઈ વિભાગ પાસેથી એનઓસી મેળવી લેવી અથવા કેટલા સમયમાં ફાયરના સાધનો ઈન્સ્ટોલ થશે તેનો સંતોષકારક જવાબ રજૂ કરવા આદેશ કરાયો છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ફાયર વિભાગના વારંવાર રિમાઈન્ડર છતાં હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ચેરમેન-સેક્રેટરી અને સભ્યોના આંતરિક વિખવાદના કારણે સાધનો વસાવાતા નથી. ફાયરની એનઓસી લેવી સામૂહિક જવાબદારી છે તે હિસાબે જ તેમની વિરૂદ્ધ હવે પોલીસ ફરિયાદ કરવા નિર્ણય કરાયો છે.

ફાયર સેફ્ટી બાબતે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે લાલ આંખ કરતાં, તંત્ર સફાળું જાગ્યું હતું અને એક અઠવાડિયાથી જુદા જુદા એકમોમાં ફાયર સેફ્ટીની તપાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આગનો બનાવ બને અને ફાયર બ્રિગેડ પહોંચે તે પહેલા ફાયરના લાઈફ સેવિંગ ઈક્વિપમેન્ટ ઉપલબ્ધ હોય તો લોકોના જીવ બચાવી શકાય. ફાયર સેફ્ટીનું ધ્યાન રાખવાની જવાબદારી સામૂહિક જવાબદારી હોય છે. જે રીતે ડ્રાઈવિંગ લાઈસન્સ લેવા લોકો સામે ચાલીને આરટીઓ જતા હોય તે રીતે ફાયર સેફ્ટીની એનઓસી લેવાની લોકોમાં જાગૃતિ આવે તે જરૂરી છે.