અમદાવાદમાં નાગરિક્તા બિલનો વિરોધ, વિદ્યાર્થીઓના દેખાવો અનેકની અટકાયત
અમદાવાદમાં નાગરિકતા બિલના વિરોધમાં 3 મુફતી, 4 મૌલાના સહિત 15 મુસ્લિમ આગેવાનોના નામે ગુરુવારે બંધનું એલાન અપાયું છે. બંધનું એલાન અપાતા રાજ્ય સરકાર પણ હરકતમાં આવી ગઇ છે, ત્યારે વહેલી સવારથી અમદાવાદના લાલદરવાજાના ઐતિહાસિક ઢાલગરવાડનું કપડાં બજાર, જમાલપુર તેમજ જુહાપુરા પણ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવ્યું છે. માર્કેટમાં CAB-NRCના કાળા કાયદાના વિરોધમાં 19-12-2019ના રોજ ઢાલગરવાડ કાપડ બજાર બંધ રહેશે તેવા બેનરો લગાવવામાં આવ્યા છે. શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા NSUIના કાર્યકરોની સી.યુ.શાહ કોલેજમાંથી અટકાયત કરવા આવી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ કહ્યું કે, બંધ દરમિયાન જો કોઈપણ પ્રકારની બળજબરી કરવામાં આવશે તો તેવા તમામ લોકોની ધરપકડ કરાશે. બુધવારે આવા 11 જેટલા અસામાજિક તત્ત્વોને પાસા હેઠળ ધરપકડ કરાઈ હતી. તમામ પોલીસ અધિકારીઓની રજા રદ કરાઈ છે. કુલ 20 જેટલી એસઆરપીની ટુકડીઓ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરાઈ છે અને તમામ પોલીસને લાકડી, હેલમેટ, સહિત વિવિધ સામગ્રી સાથે સ્ટેન્ડ ટુ રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. દરેક સિનિયર અધિકારી પણ પેટ્રોલિંગ કરશે. ગુરુવારે બંધ દરમિયાનની પરિસ્થિતિને ધ્યાને લીધા પછી શુક્રવારે યોજાનારી રેલીને મંજૂરી આપવી કે નહીં તેનો નિર્ણય પછીથી લેવાશે તેવું પણ સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું. શાહી જામા મસ્જિદમાં મુસ્લિમ ધર્મગુરુઓ, સામાજિક કાર્યકરો અને રાજકારણીઓ વચ્ચે મળેલી બંધ અંગેની બેઠકમાં ઉગ્ર ચર્ચા થઈ હતી. રાજકીય આગેવાનોએ પોતાને બંધથી અલગ રાખવા પ્રયાસ કર્યો હતો. ધર્મગુરુઓએ બંધ શાંતિપૂર્ણ રીતે થાય તેની અપીલ કરી હતી. જો કે, આ પછી રાજકીય આગેવાનોએ અપીલના નામે સ્વૈચ્છિક બંધને ટેકો જાહેર કર્યો હતો અને તેની અપીલની પત્રિકા ફરતી કરી હતી.