અમદાવાદના ગોતામાં પાણીની ટાંકી ધરાશાયીઃ ફાયર અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
ગોતાના વંસતનગર ટાઉનશીપમાં આવેલી પાણીની ટાંકી ઉતારતી વખતે ધરાશાયી થઈ છે. ઘટનાને પગલે 7 ફાયરની ગાડી અને એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી, દુર્ઘટનાને પગલે લોકોમાં દોડધામ મચી હતી. પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચી આવી છે. હાલમાં કોઈ જાનહાનિના સમાચાર નથી. મળતી માહિતી પ્રમાણે પાણીની ટાંકી ઉતારતી વખતે નજીકના મકાન પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સુરક્ષા વગર આ ટાંકી ઉતારવામાં આવી છે. ગોતા વોર્ડના મ્યુનિસિપલ કાઉન્સિલર દિનેશ દેસાઈએ જણાવ્યું હતું કે, ગોતાના વસંતનગર હાઉસિંગ બોર્ડ ટાઉનશીપમાં વર્ષો જૂની જર્જરિત પાણીની ટાંકી હતી. આ ટાંકીમાં કેટલાય સમયથી પાણી ભરવાનું બંધ હતું અને સપ્લાય ડાયરેક્ટ અપાય છે. હાઉસિંગ બોર્ડ દ્વારા આ ટાંકીને ઉતારવાની કામગીરી આજરોજ ચાલી રહી હતી ત્યારે ટાંકી નીચે પડી ત્યારે તેની ધરી સહેજ ખસી જતાં નજીકના મકાનના કેટલાક ભાગ પર ટાંકીના સ્લેબનો ભાગ પડ્યો હતો. જો કે, આ કામગીરી દરમિયાન આખા વિસ્તારને કોર્ડન કરી લીધેલો હોવાથી કોઈ જાનહાનિ કે વધુ નુકસાન થયું નથી. અમદાવાદ મ્યુનિ.માં વિપક્ષના નેતા દિનેશ શર્માએ આ સમગ્ર દુર્ઘટના માટે મ્યુનિ. તંત્રની બેદરકારીને જવાબદાર ઠેરવતા કહ્યું હતું કે, આ ટાંકીને ઘણા સમય પહેલાં જ ઉતારી લેવાની જરૂર હતી. પરંતુ મ્યુનિ. તંત્રએ તેમાં ઘણું મોડું કર્યું. મોડું તો કર્યું પરંતુ આ ટાંકીને ઉતારતી વેળાએ તદ્દન નિષ્કાળજી દાખવવામાં આવી હતી અને તેના કારણે જ ટાંકીનો સ્લેબ ખસીને નજીકના મકાન પર પડ્યો હતો. સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહીં પરંતુ આ દુર્ઘટના માટે સંપૂર્ણપણે મ્યુનિ.ની ઘોર બેદરકારી જ જવાબદાર છે.