વિકાસશીલ ગુજરાત કે ખૌફથી ઘૃજી રહેલું ગુજરાત? અમદાવાદ કોર્પોરેશનની ઓફિસમાં જ હપ્તો લેવા દાદાગીરી
અમદાવાદ શહેરના દાણાપીઠ વિસ્તારમાં આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ સંકુલમાં હપ્તાખોરો અને અસામાજિક તત્વોની દાદાગીરી સામે આવી છે. હપ્તાખોર શખ્સએ વેપારીને તું બધામાં વચ્ચે કેમ પડે છે, માણેકચોકમાં ધંધો નહિ કરવા દઉં કહી અને મોઢાના ભાગે છરી મારી દઈ ફરાર થઈ ગયો હતો. કારંજ પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પાલડીના આનંદ એપાર્ટમેન્ટમાં રહેતા અને માણેકચોકમાં ફ્રૂટનો વેપાર કરતા રાજેશભાઇ તડવી ચાર દિવસ પહેલા દાણાપીઠ વિસ્તારમાં આવેલી મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે તેમના મિત્ર અને કોર્પોરેશનમાં ફરજ બજાવતા રમેશભાઈને મળવા ગયા હતા. કારંજ વિસ્તારમાં રખડતો અને લોકોને ધાકધમકી આપી અને હપ્તા ઉધરાવતો શેરુ અયુબભાઈ શેખ નામનો શખ્સ રૂ. 4000ની માંગ કરી રમેશભાઈને ધમકાવતો હતો. રાજેશભાઈએ વચ્ચે પડી બંને વચ્ચે પડી સમાધાન કરાવ્યું હતું. ગઈકાલે રાજેશભાઇ મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરીના પાર્કિગમાં તેમના મિત્ર ભોપાભાઈ સાથે બેઠા હતા ત્યારે શેરુ ત્યાં આવ્યો હતો અને તું બધાની વચ્ચે કેમ પડે છે, માણેકચોકમાં ધંધો નહિ કરવા દઉં આ વિસ્તારમાં આવવા નહિ દઉં કહી અને છરી કાઢી રાજેશભાઈને મારી દીધી હતી. લોકોના ટોળા ભેગા થઈ જતા શેરુ મ્યુનિસિપલ કચેરીમાં આવવા નહિ દઉં કહી ત્યાંથી જતો રહ્યો હતો. આ મામલે કાંરજ પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવા તજવીજ શરૂ કરી છે.