કચ્છ જિલ્લામાં ભુજ-અંજાર અને ભચાઉમાં ભારે પવન અને કરાં સાથે વરસાદ થયો
કચ્છ જિલ્લામાં બે દિવસના વિરામ બાદ આજે ફરી એકવાર કમોસમી વરસાદ વરસ્યો હતો. હવામાન ખાતાની આગાહી અનુસાર આજે અનેક ક્ષેત્રમાં તોફાની વરસાદ પડ્યો છે. ભારે ગાજવીજ, પવન અને કરા સાથેના વરસાદથી ફરી એક વાર કચ્છના વિસ્તારો ભયભીત બન્યા છે. વાડીમાં લચી રહેલી કેરીના પાકને ખરી જવાની ચિંતા ખેડૂત વર્ગને સતાવી રહી છે. આજે મંગળવારે કચ્છના ભૂજ તાલુકાના લોડાઇ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. જ્યારે અંજાર શહેરમાં વરસાદ સાથે મોટા મોટા કરા પણ પડ્યા હતા.
શહેરની બજારોના માર્ગો પર જોશભેર પાણી વહી નીકળ્યા હતા. ભચાઉ શહેરમાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને પવન શરૂ થયા બાદ મેઘ સવારી આવી પહોંચી હતી. રસ્તાઓ પાણીદાર બન્યા હતા.ભચાઉ તાલુકાના મોરગર ગામે પણ વરસાદ સાથે કરા પડયાનું જાણવા મળ્યું હતું. સામાખીયાળી લાકડિયા સહિતના વિસ્તારો પર કમોસમી વરસાદ શરૂ થતાંજ લોકોએ તેનાથી બચવા દોડાદોડી કરી મૂકી હતી