શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 2 જુલાઈ 2021 (09:16 IST)

પહેલા સેલ્ફી લીધી પછી લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ લખીને પરિવારને મોકલી દીધી અને તાપી નદીમાં કૂદીને આપઘાત કર્યો

સુરતના અઠવા લાઇન્સ કેબલ બ્રિજ ઉપરથી ગુરૂવારની મોડી સાંજે એક નવ યુવાને સેલ્ફી ફોટો પાડી 'લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' લખી પરિવારને સેન્ડ કર્યા બાદ તાપી નદીમાં કૂદી આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે. એટલું જ નહીં પણ એમેઝોનમાં પિક અપ બોય તરીકે કામ કરતા 24 વર્ષીય કુલદીપે મિત્રોને લોકેશન શેર કર્યા બાદ કરેલા આપઘાતને લઈ અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.

બ્રિજ પરથી મળી આવેલી બાઇકને આધારે કુલદીપની ઓળખ થઈ હોવાનું સામે આવ્યું છે. હાલ ફાયર વિભાગ દ્વારા તાપી નદીમાં શોધખોળ હાથ ધરવામાં આવી છે. ફાયર વિભાગે જણાવ્યું હતું કે, કેબલ બ્રિજ પરથી નદીમાં કૂદકો મરનાર ઉધના વિસ્તારમાં આવેલાં સંજયનગર ખાતે રહેતો અને એમેઝોન કંપનીમાં પીક અપ બોય તરીકે કામ કરતો 24 વર્ષીય કુલદીપ ગૌડ હોવાનું સામે આવ્યું છે. કુલદીપ ગુરૂવારના રોજ પોતાની બાઈક પર ઘરેથી નીકળીને કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર પહોંચ્યો હતો. બ્રિજ ઉપર ઉભા રહીને પોતાના મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લીધી અને તેની ઉપર 'લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' લખીને તે સેલ્ફી પોતાના વોટ્સએપ સ્ટેટસ ઉપર અપલોડ કરી હતી.

એમેઝોન કંપનીમાં તેની સાથે કામ કરતાં મિત્રોનાં ગ્રુપમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકેશન શેર કરીને કુલદીપે જિંદગીનો અંત લાવવા તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. વોટ્સએપ સ્ટેટસ જોઇને કુલદીપના ભાઇઓ અને તેની માતા તુર્ત જ કેબલ સ્ટેઇડ બ્રિજ ઉપર ધસી ગયાં હતાં જ્યાં તેમને કુલદીપની બાઈક મળી આવી હતી પરંતુ વ્હાલસોયા કુલદીપનો કોઇ પત્તો ન હતો. પોલીસ અને ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતાં લાશ્કરો પણ દોડી આવ્યાં પરંતુ મોડી સાંજ સુધી કુલદીપ મળી આવ્યો ન હતો. પોલીસે વિગતો નોંધીને તપાસ હાથ ધરી હતી. કુલદીપે સેલ્ફી લીધા બાદ પોતાના ફોટા ઉપર ‘લાસ્ટ ટાઇમ ફોર માય લાઇફ' વાક્ય લખ્યું હતું જે બાબતે તેનાં ભાઇઓ અને મિત્રોમાં પણ મુંઝવણ પ્રવર્તી રહી છે. કુલદીપને કોઇ યુવતી સાથે પ્રેમ સંબંધ હતો કે કેમ તે બાબતે તેના ભાઇઓને જાણ નથી, મોટાભાઇ સુજીત ગૌડએ કહ્યું હતું કે, કુલદીપ સીધો અને સરળ સ્વભાવનો હતો, તેને પ્રેમસંબંધ ન હતો, તેને કોઇ ચિંતા પણ ન હતી કે રૂપિયા બાબતે પણ તણાવ ન હતો. ફોટા ઉપર લખેલાં વાક્યથી રહસ્ય ઘેરાયું છે કારણકે જિંદગીનો અર્થ કુલદીપે કયા સંદર્ભમાં કર્યો છે તે કોઇ જાણી શક્યું નથી. કુલદીપે પોતાનાં મોબાઇલ ફોન દ્વારા સેલ્ફી લઇને વોટ્સએપ ઉપર અપલોડ તો કરી પણ સાથો સાથ જ્યાં કામ કરતો હતો તે એમેઝોન કંપનીના મિત્રોનાં ગ્રુપમાં કેબલ સ્ટેઇડ બ્રિજનું લોકેશન શેયર કરતાં મિત્રોએ કુલદીપનાં ભાઇને તે અંગે જાણ કરતાં ઘરનાં સભ્યો તાત્કાલિક જ બ્રિજ ઉપર પહોંચી ગયાં હતાં પરંતુ કુલદીપની કોઇ ભાળ મળી ન હતી. સુદીપ ગૌડ (કુલદીપનો ભાઇ) એ જણાવ્યું હતું કે, મારા ભાઇએ તાપી નદીમાં ઝંપલાવ્યું હોવાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતાં લાશ્કરો આવ્યાં હતાં પરંતુ થોડીવારમાં જ તેઓ જતાં રહ્યાં. લાઇફબોટ દ્વારા કે અન્ય હોડીઓ દ્વારા શોધખોળ કરવાની કોઇ જ કોશિષ કરવામાં આવી ન હતી. હું આખો દિવસ બ્રિજની આસપાસ શોધતો રહ્યો પરંતુ લાશ્કરોએ એવી કોઇ જ શોધખોળ કરી ન હતી. સવારે હું અને મારા ભાઇઓ બ્રિજ ઉપર પહોંચ્યા ત્યારે બ્રિજ નીચે કામ કરતાં મજુરે કહ્યું હતું કે એક યુવાને તાપી નદીમાં ઝંપલાવ્યું હતું. ફાયર ઓફિસર ઈશ્વર પટેલ જણાવ્યું હતું કે પાણીનો વહેણ ખૂબ જ વધારે હતો જેથી કુલદીપને શોધવાની કામગીરી રાત્રે કરી ન હતી આજે સવારથી કામગીરી હાથ ધરાઈ છે. બ્રિજ પરથી મોટર સાયકલ મળી આવી હતી. ઘટના 9:15 ની હોય એમ કહી શકાય છે. પરિવાર રાત્રે 11 વાગે ઘટના સ્થળે આવ્યું હતું. ચાર ભાઈઓમાં કુલદીપ સૌથી નાનો હોવાનું જણાવ્યું હતું.