થરાદની નર્મદા કેનાલમાંથી 24 કલાકના રેસ્ક્યુ બાદ આપઘાત કરનાર તમામના મૃતદેહ બહાર કઢાયા
બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં ગઇકાલે ત્રણ બાળકો સહિત પાંચ લોકોએ મોતની છલાંગ લગાવી હતી. પ્રેમી સાથે મહિલાએ ત્રણ બાળકોને સાથે લઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે કેનાલમાં શોધખોળ હાથ ધરતા ગઇકાલે ત્રણ બાળકોના મૃતદેહ મળી આવ્યા હતા જ્યારે આજે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ આજે તમામ પાંચેયના મૃતદેહ બહાર કઢાયા છે.કેનાલમાંથી 3 બાળકોના મૃતદેહ બહાર કઢાયા હતા. આ કેનાલ પાસેથી 2 મોબાઈલ અને બસની ટિકિટ પણ મળી આવી હતી. જોકે હજુ સુધી આપઘાતનું રહસ્ય અકબંધ છે. હાલ મહિલા સાથે આપઘાત કરનાર યુવક અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.ગુજરાતમાં સામુહિક આપઘાતના બનાવમાં એકાએક વધારો થયો છે. જેમાં કોઈ દેવું વધી જતા આપઘાત કરે છે તો કોઈ ઘરકંકાસથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવી રહ્યું છે. તો ક્યાંક પ્રેમમાં પાગલ યુવક-યુવતીઓ છેલ્લો રસ્તો અપનાવી રહ્યાં છે. ત્યારે બનાસકાંઠાના થરાદમાં નર્મદાની મુખ્ય કેનાલમાં આ સામુહિક આપઘાતની ઘટનાને લઇ સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઇ છે.આ બનાવની જાણ થતાં જ આસપાસના ગામના લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે એકત્ર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતા જ હદ વિસ્તારની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બાદમાં કેનાલમાંથી મૃતદેહોને શોધવાની કવાયત હાથ ધરાઇ હતી. જોકે 24 કલાકના રેસ્ક્યુ ઓપરેશન બાદ મહામહેનતે આજે તમામે તમામ પાંચેયના મૃતદેહ બહાર કાઢી દેવાયા છે.