Modi's Rout Preparations - મોદીના રૂટનો રોડ શૉ પીસ બની રહ્યો છે, એરપોર્ટથી સ્મૃતિવન સુધી રસ્તા અને ડીવાઈડર રિપેર સહિતના કામોનો ધમધમાટ
રાજ્યના મુખ્ય મંત્રી આવે કે અન્ય રાષ્ટ્રીય કક્ષાના નેતા તો એટલું સ્ટ્રેસ નથી હોતું જેટલું વડાપ્રધાનની મુલાકાત હોય ત્યારે હોય છે. તેના માટે વિશિષ્ટ આયોજન કરવામાં આવે છે. સુરક્ષાથી લઈને કાર્યક્રમમાં ક્યાંય પણ કચાશ ન રહે તે માત્ર ફરજ નહિ, સાથે કોઈ ચૂક રહી જશે તો માફી નહિ મળે તેવો ડર પણ છે. શિસ્તના આગ્રહી નરેન્દ્ર મોદી સામે સરકારી વિભાગો, રાજકીય પક્ષ, કાર્યકરો વગેરે માટે સખત પરિશ્રમ કર્યે જ છૂટકો હોય છે.ઝાડી ઝાંખરા દૂર કરવાથી કરીને ડીવાઈડર પર નવા ઇન્ટરલોક, જનરલ હોસ્પિટલથી વીરાંગના સર્કલ સુધી નવી બાઉન્ડ્રી, કલર કામ, અને રસ્તા પણ નવા બની રહ્યા છે. આ રસ્તાઓ પરના બધા જ સ્પીડ બ્રેકર કાઢી નખાયા છે, જે વડાપ્રધાન પરત જાશે ત્યાર બાદ કઢંગા બનાવી નખાશે.
રોડ શૉ કરવાના છે તે રૂટ પ્રિન્સ રેસીડેન્સીથી કોલેજ રોડ, જયુબિલી સર્કલ, જી.કે.જનરલ હોસ્પિટલ, આરટીઓ સર્કલ થઈને સ્મૃતિવન સુધી તાબડતોબ કારીગરો લગાવવામાં આવ્યા છે. રાતોરાત કામ થઈ રહ્યું છે, તેમાં ગુણવત્તા નબળી ન થાય તે પણ જોવાની જરૂર છે.એકાદ મહિનાથી સ્મૃતિવનના ભૂકંપ સંગ્રહાલય અને અન્ય કામો થઈ રહ્યા છે. જેમાં વરસાદે સતત વિક્ષેપ પાડ્યો છે. તો હવે પીએમ મોદી આવવાના છે તે તારીખ નજીક છે, ત્યારે રાત દિવસ કામગીરી ચાલુ છે. તેમાં પણ બાંધકામ અને રસ્તાના કામ માટે બાધારૂપ બનતો વરસાદ કોન્ટ્રાકટર માટે માથાના દુઃખાવા સમાન છે. એક ઠેકેદારે તો કહ્યું પણ ખરું કે, અમને કામનું ટેન્શન નથી. પણ વરસાદ ક્યારે આવશે તે જાણવા વેધર (હવામાન)ની એપ સતત જોતા રહીએ છીએ. જેથી કામ ક્યારે અટકાવવું તે ખબર પડે. ઉપરાંત અચાનક ખૂબ કામ એક જગ્યાએ કરવામાં આવતા માલ મટીરીયલ અને મજૂરી ખર્ચ દોઢ ગણો થઈ જાય છે.