અભિનેત્રી પાયલ રોહતગીએ ગુજરાત હાઈકોર્ટમાં માફી માંગી,પોલીસ ફરિયાદ રદ કરવા અરજી કરી
- સોશિયલ મીડિયામાં પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેન સામે વિવાદાસ્પદ લખાણ લખીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ થયો હતો
અમદાવાદના સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં અભિનેત્રી પાયલ રોહતગી સામે આજથી બે વર્ષ પહેલા સોસાયટીના લોકોને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપવા મુદ્દે ફરિયાદ દાખલ થઈ હતી. સોસાયટીના ચેરમેને ફરિયાદ કરતાં પોલીસે અભિનેત્રીની અટકાયત કરી હતી. આજે પાયલ રોહતગી આ ફરિયાદ રદ કરાવવા માટે હાઈકોર્ટ પહોંચી હતી.
સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી
સોશિયલ મીડિયામાં પાયલ રોહતગીએ સોસાયટીના ચેરમેન સામે વિવાદાસ્પદ લખાણ લખીને અપશબ્દો બોલ્યા હોવાનો આક્ષેપ થયો હતો. સોસાયટીના કોમન પ્લોટમાં રમવાની વાતને લઈને ઝઘડો અને સોસાયટીના સભ્યોને ખોટા કેસમાં ફસાવવાની ધમકી પણ પાયલ રોહતગી દ્વારા આપવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો હતો. પાયલ સામે સેટેલાઇટ પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ હતી.
પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી માગી
હવે સેટેલાઈટ પોલીસ મથકે નોંધાયેલી FIR રદ કરવા પાયલ રોહતગી હાઇકોર્ટ પહોંચી છે. પાયલ રોહતગીએ હાઇકોર્ટ સમક્ષ માફી માગી છે. સમગ્ર કેસમાંથી રાહત અને કેસ રદ કરવા કોર્ટ સમક્ષ રજૂઆત કરી છે. હવે FIR રદ કરવી કે નહીં તે કોર્ટ આગામી દિવસોમાં નિર્ણય લેશે. ગુજરાત હાઇકોર્ટે સમગ્ર મામલે પાયલ રોહતગીને સોગંદનામુ કરવા આદેશ કર્યો છે. આ મામલે શનિવારે વધુ સુનાવણી હાથ ધરાશે