મિત્રની હત્યા કરી ફરાર થઇ જનાર આરોપી 28 વર્ષે ઝડપાયો, સુરત ક્રાઇમ બ્રાન્ચે કેરળથી આરોપીને ઝડપ્યો
સુરતમાં હત્યાના ગુનામાં નાસતો ફરતો આરોપી 28 વર્ષ બાદ પકડાયો છે. ક્રાઈમ બ્રાન્ચે નાસતા ફરતા આરોપી કૃષ્ણ રઘુનાથની કેરળમાંથી ધરપકડ કરી છે. વર્ષ 1995ના માર્ચ મહિનામાં પાંડેસરા વિસ્તારમાં સાગરીતો સાથે મળી આરોપીએ મિત્રની હત્યા કરી હતી. આરોપીએ ગદારી કરતો હોવાનો વહેમ રાખી મિત્રની હત્યા કરી નાખી હતી. મૃતદેહને નહેરમાં ફેંકી દીધો હતો. હત્યા બાદ આરોપી પરિવાર સાથે કેરળમાં રહેવા જતો રહ્યો હતો.
આરોપી મૂળ ઓરિસ્સાના ગંજામ જીલ્લાનો રહેવાસી છે.સુરતના પાંડેસરા પોલીસ મથકમાં વર્ષ 1995માં નોંધાયેલા હત્યાના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા 28 વર્ષથી પોલીસ પકડથી બચી રહેતા વોન્ટેડ આરોપીને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસને ઝડપી પાડવામાં સફળતા મળી છે. સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આરોપીને કેરળથી ઝડપી પાડ્યો છે. પોલીસને માહિતી મળી હતી કે આરોપી હાલ કેરળ રાજ્યમાં મિસ્ત્રી કામ કરે છે. જેને આધારે પોલીસે વોચ ગોઠવી કેરળ રાજ્યના અદૂરગામ ખાતેથી આરોપી કૃષ્ણ રઘુનાથ પ્રધાનને ઝડપી પાડ્યો હતો.સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમે આરોપી કૃષ્ણપ્રધાનને ઝડપી પાડ્યા બાદ તેની પૂછપરછ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 1995માં આરોપી અને તેના સાગરીતો સુરત શહેરના પાંડેસરા સ્થિત સિદ્ધાર્થનગરમાં રહેતા હતા અને કારખાનામાં મજુરી કામ કરતા હતા. તેઓ સાથે કામ કરતા હતા અને રૂમમાં ભાડે પણ સાથે જ રહેતા હતા. આ દરમિયાને આરોપી કૃષ્ણપ્રધાનની સાથે રહેતો તેનો મિત્ર તેની સાથે અસત્ય બોલતો હોવાનો અનુભવ થયો હતો. આ વાતનો વહેમ રાખીને 4 માર્ચ 1995માં આરોપીએ તેના મિત્ર બિરેન શેટ્ટીની હત્યા કરી દીધી હતી. ત્યાર બાદ મૃતદેહને ગૌતમ નગર સ્થિત નહેરમાં નાખી ફરાર થઇ ગયો હતો.આ અંગે મળતી માહિતી મુજબ પોલીસે પકડેલા આરોપી કૃષ્ણ પ્રધાન 23 વર્ષની ઉંમરે ગુનો કર્યો હતો અને 52 વર્ષની ઉંમરે ઝડપાયો છે. કૃષ્ણપ્રધાનને લગ્ન કર્યા બાદ તેનું એક પરિવાર સાથે રહેતો હતો. પરિવારમાં તેનો એક પુત્ર પણ છે. આજે તેના પુત્રની ઉંમર 23 વર્ષ જેટલી છે. એટલે તેના પુત્રની ઉંમરે તેણે ગુનો કર્યો અને આજે પુત્રની સામે બાપ જેલમાં પહોંચી ગયો છે.