Jamnagar News - ગરબા રમતાં ધ્યાન રાખજો! જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મોત
A young man died of a heart attack during Garba practice
ગુજરાતમાં યુવાઓમાં હાર્ટ એટેકના કિસ્સાઓ સતત વધી રહ્યા છે. જેને લઇને મેડિકલ જગત પણ ચિંતિત છે અને આ પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે મથામણ કરી રહ્યું છે. છેલ્લા ઘણા સમયથી ગુજરાતના વિવિધ વિસ્તારોમાં નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.
જામનગરમાં ગરબાની પ્રેક્ટિસ દરમિયાન 19 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. નવરાત્રી નજીક આવી રહી છે, ત્યારે અનેક જગ્યાએ ગરબા ક્લાસીસો શરૂ થઈ ચૂક્યા છે. ત્યારે જામનગરમાં ગરબા રસિકો માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે.
જામનગરમાં 19 વર્ષના યુવાનનું ગરબાની પ્રેક્ટિસ દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જામનગરના ગરબા ક્લાસીસમાં 19 વર્ષીય વિનીત કુંવરિયા ગરબાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો.આ દરમિયાન તે અચાનક જ ઢળી પડ્યો હતો, જેથી તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પર હાજર ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. વિનીત કુંવરિયાના અકાળે અવસાનને લઇ સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છે. હાલ વિનીતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જી.જી. હોસ્પિટલ ખસેડાયો છે.