પોરબંદરના દરિયામાંથી ડ્રગ્સ પકડાયા બાદ ચોંકાવનારો ખુલાસો, તપાસનો ધમધમાટ શરૂ
- કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં
- ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ
- દરિયાઈ સીમામાં ઈરાનની બોટમાં 3132 કિલો ડ્રગ્સ હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડી રહ્યું છે.
પોરબંદર અરબી સમુદ્રમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રગ્સનો જથ્થો પકડાયો છે. NCB, ગુજરાત ATS તથા નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સંયુક્ત ઓપરેશન હાથ ધરાયું હતું. જેમાં કુલ અલગ અલગ ત્રણ પ્રકારનાં ડ્રગ્સ મળી આવ્યાં છે. ડ્રગ્સના જથ્થા સાથે બોટમાં સવાર પાંચ જેટલા ક્રૂ મેમ્બરની ધરપકડ પણ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કરી NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવ્યાં હતા.
ગુજરાતના આંતરરાષ્ટ્રીય દરિયાઈ સીમામાં કરોડોનું ડ્રગ્સ આવી રહ્યું છે તેવા ઈનપુટ સેન્ટર એજન્સી પાસે હતાં.ત્યાર બાદ NCB અને ગુજરાત ATSની મદદથી મેગા ઓપરેશન હાથ ધરાયું હતું. દરિયાઈ સીમામાં ઈરાનની બોટમાં 3132 કિલો ડ્રગ્સ હતું. જેમાં હસીસ અને ચરસ હોવાનું માલૂમ પડી રહ્યું છે. એક અંદાજ પ્રમાણે આ ડ્રગ્સની આંતરાષ્ટ્રીય કિંમત બે હજાર કરોડ હોવાનું પોલીસ સુત્રો જણાવી રહ્યાં છે. પોલીસે પકડેલા ખલાસીઓ પાસેથી સેટેલાઈટ ફોન અને અન્ય સામગ્રી જપ્ત કરવામાં આવી છે. ઝડપાયેલી પાંચેય બોટ અને ખલાસી ઈરાની હોવાનો ખુલાસો થયો છે. ATS દ્વારા આરોપીઓને ગુપ્ત સ્થળે લઈ જઈ તેઓની હાલ પૂછપરછ ચાલી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
આ મામલે એનસીબીએ કહ્યું હતું કે ડ્રગ્સ સાથેની એક બોટ આવતી હોવાની માહિતી મળી હતી. બાતમીના આધારે ઓપરેશન સાગર મંથન શરૂ કર્યુ હતું. 27 ડિસેમ્બરની વહેલી સવારે મધદરિયે એક જહાજને રોકવામાં આવ્યું હતું. પાંચ વિદેશી નાગરિકોની અટકાયત કરાઈ છે. ડ્રગ્સમાં પાકિસ્તાનનો હાથ હોવાની આશંકા છે. ઈરાનના ચબાહાર પોર્ટથી ડ્રગ્સ આવવાની આશંકા છે. આરોપીઓ પાસેથી ચાર મોબાઈલ જપ્ત કરાયા છે. પેકેટ પર 'રાસ અવાદ ફુડ કંપની, મેડ ઇન પાકિસ્તાન 'નું લખાણ હતું. પાંચથી સાત લાખનું હાઈક્વોલિટી ચરસ છે. વધુ તપાસમાં ડ્રગ્સની કિંમત બે હજાર કરોડ સુધી પહોંચે તેવી શક્યતા છે.
કરોડો રુપિયાનું ડ્ર્ગ્સ જપ્ત થવા મામલે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ટ્વિટ કર્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રગ્સ ફ્રી ભારતના વિઝનને સફળ બનાવી આપણી એજન્સીઓએ વિદેશમાંથી ઘુસાડવામાં આવેલા ડ્રગ્સના મોટા જથ્થાને જપ્ત કર્યો છે. NCB, નેવી અને ગુજરાત પોલીસના સંયુક્ત ઓપરેશનમાં 3132 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. આટલા મોટાપાયે ડ્રગ્સ જપ્ત કરવાની ઘટના સરકારના ડ્રગ્સ ફ્રી ભારત અભિયાનની પ્રતિબદ્ધતાને દર્શાવી રહી છે. આ માટે હું NCB, નેવી અને ગુજરાત પોલીસને અભિનંદન પાઠવું છું.ભારતીય નૌકાદળ, ગુજરાત પોલીસ અને NCB દ્વારા સફળ સંયુક્ત ઓપરેશનમાં, ગુજરાતના દરિયાકાંઠેથી આશરે 3,132 કિલો ડ્રગ્સ વહન કરતું એક શંકાસ્પદ જહાજ પકડાયું હતું. પીએમ નરેન્દ્ર મોદીજી અને ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શન આ ઓપરેશન ડ્રગ્સ મુક્ત ભારત માટેની પ્રતિબદ્ધતાને મજબૂત બનાવે છે. તેમની ઉત્કૃષ્ટ રીતે ઓર્કેસ્ટ્રેટેડ ટીમવર્ક માટે સામેલ દરેકને અભિનંદન.