શક્તિપીઠ અંબાજીમાં હાઈટેક સુવિધાથી સજ્જ નિર્માણ પામશે રેલવે સ્ટેશન, આવી હશે થીમ
શક્તિપીઠ અંબાજીમાં રેલવે સ્ટેશન હવે હાઈટેક સુવિધાથી સજ્જ બનવા જઈ રહ્યું છે. એટલું જ નહિ જેવી રીતે ગાંધીનગરમાં રેલવે સ્ટેશન બનાવવામાં આવ્યું છે. તેવી જ રીતે હવે અંબાજીમાં પણ અંબાજી રેલવે સ્ટેશનનું ભવ્ય નિર્માણ કરવામાં આવશે. અંબાજીમાં નિર્મામ પામનારું રેલવે સ્ટેશન શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે. તેમજ સ્ટેશનમાં ઉપરના પાંચ માળ સુધી રહેવા માટેની હોટલ પણ બનાવવામાં આવશે. જે અનેક સુવિધાઓથી સજ્જ હશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, તારંગાથી અંબાજી થઈને આબુ સુધીની રેલવે લાઈન પ્રોજેકટની કામગીરી ચાર તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે. આ રૂટમાં તારંગા અને અંબાજી રેલવે સ્ટેશનનું ગાંધીનગરના રેલવે સ્ટેશનની જેમ ભવ્ય નિર્માણ કરવામાં આવશે. આ તિર્થયાત્રાના રેલવે સ્ટેશન પર પાંચ માળની હોટલ પણ બનાવવામાં આવશે. જેની માટે જગ્યાઓ પણ ફાળવવામાં આવશે. આ હોટલમાં પાર્કિંગથી લઈને તમામ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. ચાર તબક્કામાં પૂર્ણ થનારા આ પ્રોજેક્ટ પાછળ અંદાજિત 2798.16 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે. જેમાં રેલવે લાઈનના રૂટની લંબાઈ 116.654 કિમોમીટર સુધીની રહેશે. બીજી બાજુ આ કામને પૂર્ણ કરવાની સમય મર્યાદા 5 વર્ષ સુધીની બાંધવામાં આવી છે.
મહત્વનું છે કે, તારંગા હિલથી અંબાજી અને અંબાજીથી આબુ રોડ સુધીની 116.65 કિમી નવી રેલવે લાઈનને મંજૂરી આપવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર અને રેલવે વિભાગ દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સૂચનાથી અધિકારીઓ દ્વારા આ પ્રોજેક્ટના રોડમેપ અંગે કામગીરી હાથ ધરવામાં આવી છે.
અંબાજીમાં હાઈટેક રેલવે સ્ટેશનનું નિર્માણ થવા જઈ રહ્યું છે. અંબાજીમાં નિર્માણ કરવામાં આવેલા રેલવે સ્ટેશનની થીમ અંબાજી શક્તિપીઠની ડિઝાઈનમાં કરવામાં આવશે. તેમજ આ રેલવે સ્ટેશનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે. તેની સાથે યાત્રિકોની સુવિધાને ધ્યાને રાખીને સ્ટેશનની ઉપર 5 માળ સુધી 100 રૂમની હોટલ બનાવવામાં આવશે. આ હોટલને યાત્રાળુઓને ધ્યાને રાખી તમામ સુવિધાથી સજ્જ કરવામાં આવશે.