ગુજરાતના આ ગામમાંથી ફરાર થઈ ગયા પુરૂષ, જાણો કેમ થયું આવું?
ગુજરાતના એક છેવાડાના ગામમાં હાલમાં એકપણ પુરુષ નથી માત્ર મહિલાઓ જ જોવા મળી રહી છે. ઘર-પરિવારની તમામ જવાબદારીઓ મહિલાઓ પર આવી પડી છે. સાબરકાંઠાના ગામડી ગામમાં છેલ્લા 5 દિવસથી આ ગામના પુરુષો ફરાર છે. ગામડી ગામ પાસે તાજેતરમાં અકસ્માતના બનાવમાં ગામના એક વ્યક્તિનું મોત નીપજ્યા બાદ રોષે ભરાયેલા ગ્રામજનોએ નેશનલ હાઈવે બ્લોક કરી દીધો હતો. બ્લોક ખોલાવવા ગયેલી પોલીસ પર પણ પથ્થરમારો થયો હતો અને પોલીસ વાહન સળગાવી દીધું હતું. પોલીસે ટોળાને વિખેરવા 120થી વધારે ટિયરગેસના શેલ છોડ્યા હતા.આ બનાવને લઈ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં 42 લોકો સામે નામજોગ સહિત 700ના ટોળા સામે ગુનો નોંધાયો છે. જેથી પોલીસ પકડી ન જાય તે માટે ગામના તમામ પુરુષો ફરાર થઈ ગયાં છે.
પોલીસે એક મહિલા સહિત 10 જણાની ધરપકડ કરી
છેલ્લા 5 દિવસથી ગામમાં કોઈપણ પુરુષ ફરક્યા નથી, માત્ર મહિલાઓના હવાલે ઘરો છે. તેવામાં મહિલાઓની મુશ્કેલી વધી ગઈ છે. પરિવારની જવાબદારી સાથે-સાથે પશુપાલન અને ખેતીનું કામ પણ કરવું પડી રહ્યું છે. ડેરી બંધ હોવાના કારણે મહિલાઓ દૂધ રખડતા શ્વાનને અથવા તો પોતાનો ઢોરને પીવડ઼ાવવા મજબૂર છે. અન્ય પાયાની જરુરીયાતો માટે પણ મહિલાઓ હેરાન થઈ રહી છે. તેમની એવી માંગ છે કે, ગામમાં ડેરી સહિતની પાયાની જરૂરી વસ્તુઓ શરૂ કરવામાં આવે તો તેમની ઘણી સમસ્યાઓનું સમાધાન આવી શકે. પોલીસના ડરથી ગામના પુરુષો ક્યાં સુધી ભાગતા રહેશે તે પણ સૌથી મોટો સવાલ છે. ગામડી પાસે અકસ્માત બાદ બનેલા બનાવમાં ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં સાબરકાંઠા જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત 42ના નામજોગ ફરિયાદ નોંધાયા બાદ પોલીસે એક મહિલા સહિત 10 જણાની ધરપકડ કરી છે.
ગામના 42 સહિત 700ના ટોળા સામે ફરિયાદ દાખલ
આ અંગે હિંમતનગરના ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં હેડકોન્સ્ટેબલ ઇન્દ્રવિજયસિંહ તખતસિંહે નોધાવેલી ફરિયાદ મુજબ, ગામડી ગામના 42 સહિત 700ના ટોળાએ ગેરકાયદેસર મંડળી રચીને પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે નેશનલ હાઇવે રોડ પર ચક્કાજામ કરી તેના ઉપર લાકડા અને ટાયરો સળગાવ્યા હતા. જે પોલીસ અધિકારી અને કર્મચારીઓ રસ્તો ખુલ્લો કરાવવા જતા પોલીસ પર છુટા પથ્થરો મારી પોલીસને જાનથી મારી નાખવાના ઈરાદે સરકારી ગાડીના ડ્રાઈવર સરકારી ગાડીમાં હાજર હતો. તે ગાડીને આગચંપી કરી સરકારી ગાડી સળગાવતા ડ્રાઈવર પોતાનો જીવ બચાવવા સરકારી ગાડીમાંથી કુદી પડ્યો હતો.હિંસક ટોળાએ પોલીસ ઉપર જીવલેણ હુમલો કરી પોલીસને જીવતી સળગાવી દેવાના ઈરાદે સરકારી ગાડી સળગાવી તથા અન્ય સરકારી ગાડીઓને નુકશાન કરી આશરે રૂ 15 લાખ તથા નેશનલ હાઈવે રોડને થોડા સમય માટે ટ્રાફિકની અવર જવર બંધ કરાવી ગેરકાયદેસર અવરોધ કરી નુકસાન કરીને જાહેરનામાનો ભંગ કર્યો હતો.