રવિવાર, 24 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 27 માર્ચ 2024 (14:34 IST)

સુરતમાં નોકરીએ પહોંચે એ પહેલાં જ SMCનું ડમ્પર કાળ બની ત્રાટક્યું, મહિલાને કચડી નાંખી

surat accident news
સુરતના કતારગામમાં પાલિકાના ડમ્પર ચાલક બેફામ બન્યા હોવાનું સામે આવ્યું છે. આજે નોકરી પર જઈ રહેલી મોપેડ સવાર મહિલાને અડફેટે લઈ કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા અને ડમ્પર ચાલકને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ ડ્રાઇવર દારૂના નશામાં હોવાની પણ આશંકા સેવવામાં આવી રહી છે. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા ને પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો કર્યો હતો. તેમજ ચાલકને ટોળાએ માર મારી અધમૂઓ કર્યો હતો. દારુના નશામાં હતો કે કેમ જેને લઈ મેડિકલ ચેકઅપ માટે હોસ્પિટલ લઈ ગયા હતા.

કતારગામ વિસ્તારમાં આવેલા શક્તિ ડાયમંડ એપાર્ટમેન્ટમાં 45 વર્ષીય મનીષાબેન નિકુંજભાઈ બારોટ પરિવાર સાથે રહેતા હતા. નોકરી કરી પરિવારને આર્થિકરીતે મદદરૂપ થતા હતા. મૃતક મહિલા મનીષાબેન બારોટ દિવ્યાંગ છે. મનીષાબેન બારોટના પતિનું દસ વર્ષ પહેલા અવસાન થઈ ચૂક્યું છે. જ્યારે તેમને એક 16 વર્ષની દીકરી છે. જેની હાલ ધોરણ 10ની પરીક્ષા પૂર્ણ થઈ છે. મનીષાબેન રત્નકલાકાર તરીકે કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. એકની એક દીકરીએ નાનપણમાં જ પિતા ગુમાવ્યા બાદ હવે માતાને પણ ગુમાવી દેતા નિરાધાર બની ગઈ છે.

આજે સવારે મનીષાબેન મોપેડ લઈને નોકરી પર જવા નીકળ્યા હતા. દરમિયાન કતારગામ વિસ્તારમાં જ પૂરપાટ ઝડપે દોડી રહેલા પાલિકાના ડમ્પર ચાલકે અડફેટે લીધા હતા. મોપેડ સવાર મનીષાબેનને ડમ્પર ચાલકે અડફેટે લેતાં નીચે પટકાઇ ગયા હતા. ત્યાર બાદ તેમને કચડી નાખતાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતના પગલે મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. ત્યાર બાદ ડમ્પર ચાલકને પકડી પાડ્યો હતો અને પોલીસને જાણ કરવામાં આવી હતી. આ સાથે જ લોકો દ્વારા ડમ્પર ચાલક દારૂના નશામાં હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા હતા.