કેન્સરગ્રસ્ત બાળકને ડોક્ટર બનવાની ઈચ્છા હતી, આરોગ્ય મંત્રીએ એપ્રન પહેરાવી પૂર્ણ કરી
અરવલ્લી જિલ્લાના એક 10 વર્ષીય બાળકને લોહીનું કેન્સર થયું છે. તેની હાલ અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટમાં કિમોથેરાપીની સારવાર ચાલુ છે. તેને ડૉક્ટર બનવાની ખૂબ જ ઈચ્છા હતી. આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેને મળવા આવી પહોંચ્યા હતા અને તેની ઈચ્છા પૂર્ણ કરી હતી. આ બાળ ડૉક્ટર સામે આરોગ્યમંત્રી પોતે દર્દી બન્યા હતા. પોતાની ઈચ્છા પૂર્ણ થતા બાળકમાં એક અલગ જ પ્રકારનો જુસ્સો જોવા મળ્યો હતો. સાથે જ આરોગ્યમંત્રીએ બાળકોના કેન્સરના વોર્ડમાં જઈને તેઓનો જુસ્સો વધાર્યો હતો અને કેન્સર સામે મજબૂત લડાઈ લડી ફરીથી સામાન્ય જીવન જીવવા પ્રેરયા હતા.
અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ યોગેશભાઈ પટેલને લ્યુકેમિયા છે. 10 વર્ષના કલ્પના પરિવારને એક વરસ પહેલા જ ખ્યાલ આવ્યો કે તેમના લાડકવાયા એકના એક દીકરાને કેન્સર છે. મૂળે અરવલ્લી જિલ્લાના મોડાસાના કલ્પ પટેલની હાલ કિમોથેરાપીની સારવાર ચાલુ છે. 4 ફેબ્રુઆરીના રોજ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી ખરા અર્થમાં સાર્થક કરવા ઋષિકેશ પટેલે ગુજરાત કેન્સર રીસર્ચ ઇન્સ્ટીટ્યુટના માધ્યમથી લ્યુકેમિયાગ્રસ્ત કલ્પની ડૉક્ટર બનવાની ઈચ્છાપૂર્તિ કરી હતી. વિશ્વ કેન્સર દિવસની ઉજવણીને ખરા અર્થમાં સાર્થક કરીને લાખો-કરોડો કેન્સરગ્રસ્ત બાળકોનો જુસ્સો વધારીને મનોબળ મજબૂત કરવાના શુભ આશયથી આરોગ્યમંત્રી કલ્પની ડૉક્ટર બનવાની ઇચ્છાપૂર્ણ કરવા અમદાવાદ સિવિલ મેડિસીટીની ગુજરાત કેન્સર રીસર્ચ ઈન્સ્ટિટ્યુટ પહોંચ્યા હતાં. તેમણે કલ્પને એક દિવસ માટે ડૉક્ટર બનાવીને તેને ડૉક્ટર બનવાની સંપૂર્ણ અનુભૂતિ કરાવવા એપ્રન પહેરાવ્યું. ગળામાં સ્ટેથોસ્કોપ લગાડ્યું. વધુમાં આરોગ્યમંત્રીએ પોતે જ કલ્પ માટે દર્દીની ભૂમિકા ભજવી હતી. કલ્પે ડૉક્ટર બનીને ઋષિકેશભાઈને તપાસ્યા. તબીબ જેમ દર્દીનું દર્દ સમજી તેની દવા કરે છે, તે રીતે જ કલ્પે તેમની તપાસ કરી અને દવાનું પ્રિસ્ક્રીપ્શન પણ લખ્યું. બાદમાં આરોગ્યમંત્રી કલ્પને કેન્સર વોર્ડમાં દોરી ગયા અને અન્ય દર્દીઓ સાથે પણ સંવાદ સાધ્યો. હતો.