સોમવાર, 25 નવેમ્બર 2024
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 14 માર્ચ 2024 (11:40 IST)

રાજકોટમાં રમતાં રમતાં 4 વર્ષનું બાળક સ્વિમિંગ પુલમાં પડ્યું, કોઈ નહીં હોવાથી મોતને ભેટ્યું

swimming pool
swimming pool

-  નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું 
- આ ઘટના દરમિયાન ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળક પૂલમાં ડૂબી ગયું 
- આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ 

રાજકોટમાં નેપાળી પરિવારનું 4 વર્ષનું બાળક રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં ડૂબી ગયું હતું. આ ઘટના દરમિયાન ત્યાં કોઈ જ હાજર ન હોવાથી બાળકનો મૃતદેહ સ્વિમિંગ પુલમાં તરતો મળ્યો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બાળકના મોતથી નેપાળી પરિવારમાં શોક ફેલાયો હતો. આ ઘટનાની જાણ થતાં યુનિવર્સિટી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.

રાજકોટના નવા 150 ફૂટ રિંગ રોડ ઉપર ઘંટેશ્વર પાસે વર્ધમાનનગર શેરી નં. 3માં આવેલા ઓરમ એપાર્ટમેન્ટમાં ગઈકાલે સાંજે 4:20 વાગ્યા આસપાસ અમૃત લોકેશભાઈ વિશ્વકર્મા (ઉં.વ.4) રમતાં રમતાં સ્વિમિંગ પૂલમાં પડી ગયો હતો. જે બાદ માસુમ બાળક સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં તેનું મોત નીપજ્યું હતું. જોકે, સ્વિમિંગ પુલમાં બાળકનો તરતો મૃતદેહ જોવા મળ્યો હતો. જેથી સ્થાનિકો દ્વારા તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરવામા આવી હતી.

108 એમ્બ્યુલન્સના તબીબ સ્થળ પર પહોંચી બાળકને તપાસ્યો હતો, પરંતુ બાળકના શ્વાસ થંભી ગયા હોવાથી તેને મૃત જાહેર કર્યો હતો. જેથી બાળકના પરિવારમાં કલ્પાંત છવાયો હતો.બનાવની જાણ થતાં યુનિવર્સિટી પોલીસના હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા. પરિવારની પૂછપરછ કરતા મૃતકના પિતા લોકેશભાઈને સંતાનમાં 3 દીકરા છે. તેઓ મૂળ નેપાળના છે. 2 વર્ષ પહેલા લોકેશભાઈ ઓરમ એપાર્ટમેન્ટમાં ચોકીદાર તરીકેની નોકરીમાં લાગ્યા હતા. જેઓ અહીં પાર્કિંગની ઓરડીમાં પરિવાર સાથે રહે છે. જોકે, ત્રણમાંથી એક બાળકનું સ્વિમિંગ પુલમાં ડૂબી જતાં મૃત્યુ નીપજ્યું હતું. જેથી આ બનાવથી પરિવારમાં ઘેરો શોક છવાઈ ગયો હતો અને એપાર્ટમેન્ટના રહેવાસીઓમાં પણ અરેરાટી વ્યાપી ગઈ હતી.