અમદાવાદના ઈસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલ સામે કોર્ટમાં 1700 પાનાની ચાર્જશીટ દાખલ
કારનો રિપોર્ટ, FSL રિપોર્ટ, 50 સાક્ષીઓની જુબાની સહિતની બાબતોનો સમાવેશ કરાયો
Ahmedabad News- ઇસ્કોન બ્રીજ પર જેગુઆર કારને પુરઝડપે હંકારીને નવ લોકોના મોત નીપજાવવાના કેસમાં પોલીસ આજે તથ્ય પટેલ વિરૂદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી છે. જેમાં કોર્ટે આઇપીસીની કલમ 308 ઉમેરવાની મંજુરી આપતા કલમનો ઉમેરો પણ કરવામાં આવ્યો છે. એફએસએલ અને જેગુઆર કાર સહિતના મહત્વના રિપોર્ટ પણ ચાર્જશીટમાં સામેલ કર્યા છે. ટ્રાફિક-પોલીસ દ્વારા અત્યાર સુધીમાં રજૂ કરવામાં આવેલી આ સૌથી ઝડપી ચાર્જશીટ છે. એસીપી એસ.જે. મોદી અને PI વી.બી. દેસાઈ કોર્ટમાં ચાર્જશીટ લઈને પહોંચ્યા હતાં.
1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ
ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે પત્રકા પરિષદમાં જણાવ્યું હતું કે, ઈસ્કોન બ્રિજ પર થયેલા અકસ્માતમાં 9 લોકોના કરૂણ મોત થયાં હતાં.જેમાં ત્રણ પોલીસકર્મીઓના પણ મોત નિપજ્યાં છે. આ કેસમાં એક તપાસ ટીમ બનાવવામાં આવી હતી. છેલ્લા એક સપ્તાહથી અધિકારીઓએ રાત દિવસ મહેનત કરી છે. તમામ પાસાઓની તપાસ દરમિયાન ઊંડાણપૂર્વક તપાસ કરાઈ છે. વૈજ્ઞાનિક અને દલ્તાવેજી પુરાવા સહિત સાક્ષીઓના નિવેદન લેવામાં આવ્યાં છે. આરોપી સામે પુરતા પુરાવા છે. 1700 પાનાની ચાર્જશીટ તૈયાર કરાઈ છે અને 181 સાહેદોને તપાસવામાં આવ્યા છે અને આઠ સાક્ષીઓના નિવેદન લેવાયા છે. ઈજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના છે.
કોઈ પુરાવાનો નાશ ના થાય તે અમારા માટે ચેલેન્જ હતી
ઇન્ચાર્જ પોલીસ કમિશનર પ્રેમવીરસિંહે ઉમેર્યું હતું કે, RTO તરફથી ગાડીની તપાસ કરાવવામાં આવી છે. ગાડીમાં બેસનારની તપાસ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આરોપીનું DNA ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ પોલીસ માટે બહુ પડકારરૂપ કેસ હતો.કોઈ પુરાવાનો નાશ ના થાય તે અમારા માટે ચેલેન્જ હતી. બનાવના 3 કલાકમાં તથ્યનું બ્લડ સેમ્પલ લીધું હતું. ગાડી ઓવર સ્પીડમાં હતી તે સાબિત કરવું પડકારરૂપ હતું. તથ્યને હોસ્પિટલ લઈ જવાની જાણ હોસ્પિટલે પોલીસને કરી હતી પણ તથ્યના પિતાએ નહોતી કરી.