મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 17 ડિસેમ્બર 2022 (12:13 IST)

અમદાવાદના વેજલપુરમાં બોગસ ડોક્યુમેન્ટના આધારે 72.78 લાખની લોન લઈ ઠગાઈ

અમદાવાદના વેજલપુરમાં મશીનરી લોન લેવાના બહાને પાંચ શખ્સોએ ભેગા મળીને માસ ફાઇનાન્સ સાથે 72.78 લાખની છેતરપિંડી આચરી છે. જેમાં બનાવટી દસ્તાવેજો બનાવી અને માસ કંપનીમાં રજૂ કરીને લોન લીધી હોવાનું સામે આવ્યુ છે. લોન લેનાર શખ્સે હપ્તો ન ભરતા કંપનીએ તપાસ કરતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ અંગે કંપનીના કર્મચારીએ પાંચ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. નારોલમાં રહેતા કૃણાલ જોષી માસ ફાઇનાન્સ સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં સિનિયર પોર્ટફોલીયો ઓફિસર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે.

જેમાં એકાદવર્ષ અગાઉ કંપનીના લોન એજન્ટ મૌલિક દવેએ એક મશીનરી લોન લેવા માટે કંપનીના કર્મચારી પ્રકાશચંદ્ર શર્માને બોલાવી હરજીભાઇ સાથે નિકોલ ખાતે મુલાકાત કરાવી હતી. ત્યારબાદ કંપનીના મશીન માટે લોન લેવા હરજીએ જયેશ પ્રજાપતિને એમ.જે.એન્ટરપ્રાઇઝના માલિક તરીકે બતાવી તેના કાગળો આપ્યા હતા.બાદમાં વરમ કટીંગ એન્ડ નોન વુવેન ફ્રેબ્રીક મશીનનું કોટેશન મંતવ્ય એન્ટરપ્રાઇઝના માલિક નિમીતભાઇ પટેલે આપ્યુ હતુ તે તમામ કાગળો માસ ફાઇનાન્સ કંપનીમાં જમા કરાવ્યા હતા. જેમાં માસ કંપનીના કર્મચારીઓને સ્થળ વિઝિટમાં વહેલાલમાં ગોડાઉન જેવી જગ્યા બતાવી એમ.જે.એન્ટરપ્રાઇઝના માલિકે તે જગ્યા ભાડે રાખી છે અને ભાડા કરાર પણ બતાવ્યો હતો. આ ઉપરાંત તેમને લોનના કાગળો સાથે રજૂ કર્યા હતા. ત્યારબાદ જયેશે મશીનરી 72.78 લાખની લોન માટે કરેલ અરજી અને કાગળોની ચકાસણી લોન ડિપાર્ટમેન્ટે મંજૂર કરીને મંતવ્ય એન્ટરપ્રાઇઝના માલિક નિમીતભાઇના બેન્ક એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. ત્યારબાદ મશીન નિમીતે જયેશને ત્યાં મોકલાવ્યુ હતુ પરંતુ જયેશે પ્રથમ હપ્તો ભર્યો હતો અને બીજો હપ્તો સમયસર ભર્યો ન હતો.જેથી માસ કંપની દ્વારા તપાસ કરતા સામે આવ્યુ હતુ કે જે જગ્યા ભાડે બતાવી હતી તે કોઇ બીજાના નામે હતી અને તે ડોક્યુમેન્ટ પણ બનાવટી હોવાનું સામે આવ્યુ હતુ જ્યારે માસ કંપનીના કર્મચારીઓ દ્વારા તે તમામનો સંપર્ક કરતા શખ્સોએ જુદા જુદા બહાના બતાવીને છટકી ગયા હતા. ત્યારે લોનના સાક્ષી હેતલબેનનો સંપર્ક કરતા તેમણે જવાબ આપ્યો ન હતો. ત્યારે આ અંગે માસ કંપનીના સિનિયર પોર્ટફોલીયો ઓફિસરે જયેશ, હેતલબેન, હરજી,મૌલિક અને નિમિત સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.