સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 17 ઑગસ્ટ 2022 (11:22 IST)

નર્મદા ડેમના 23 ગેટમાંથી 5 લાખ કયુસેક પાણી છોડાતા 2 જિલ્લાના 40 ગામ એલર્ટ

news
મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી આવી રહેલાં પાણીનો આવરો વધ્યો હોવાથી નર્મદા ડેમના 23 ગેટમાંથી 5 લાખ કયુસેક પાણી નદીમાં છોડવામાં આવતાં ભરૂચ અને નર્મદાના 40 ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યાં છે. મધ્યપ્રદેશના મોટાભાગના ડેમ છલકાઇ જતાં સરદાર સરોવરમાં વિપુલ માત્રામાં પાણી આવી રહયું છે.બીજી તરફ સરદાર સરોવર ડેમ પણ 80 ટકા ઉપર ભરાય ચુકયો છે. ડેમની હાલની સપાટી 134.58 મીટર છે જયારે મહત્તમ સપાટી 138.68 મીટર છે.

શનિવારથી નર્મદા ડેમના 23 દરવાજા ખોલી પાણી છોડવાની શરૂઆત કરવામાં આવી હતી. હાલ પાણીની માત્રા વધારી 5 લાખ કયુસેક કરી દેવામાં આવતાં ભરૂચના ગોલ્ડનબ્રિજે નર્મદા નદીની સપાટીમાં વધારો થઇ રહયો છે.સરદાર સરોવરમાં ઉપરવાસમાંથી 5.11 લાખ કયુસેક પાણી આવી રહ્યું છે જેની સામે ડેમમાંથી 5.11 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ડેમના 23 ગેટ 3.25 મીટરની સપાટીથી ખોલી 5 લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહયું છે જયારે રીવર બેડ પાવર હાઉસના 6 ટર્બાઇન ચાલુ કરી 45 હજાર કયુસેક પાણી છોડાઇ રહયું છે.નર્મદા જિલ્લા કલેકટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ વહીવટીતંત્ર ચાંપતી નજર રાખી રહયું છે. ગરૂડેશ્વર તાલુકાના નદી કિનારાના ગરુડેશ્વર, અક્તેશ્વર, મોટા વાંસલા, ઇન્દ્રવર્ણા અને ગોરા તથા તિલકવાડા તાલુકાના નદી કિનારાના રેંગણ અને વાંસલા તેમજ નાંદોદ તાલુકાના નદી કિનારાના નિચાણવાળા વિસ્તારના સિસોદ્રા, માંગરોલ (રામપુરા), ગુવાર, રૂંઢ, ઓરી, નવાપરા, શહેરાવ, વરાછા અને પોઈચા ગામોના લોકોને એલર્ટ કરી દેવાયાં છે.