લઠ્ઠાકાંડમાં ભાવનગરમાં સારવાર દરમ્યાન વધુ 4ના મોત, મોતનો આંકડો 24 થયો
બોટાદ અને અમદાવાદ જિલ્લાના કથિત લઠ્ઠાકાંડમાં કુલ 24લોકોના મોત થયા છે. જેમાં બરવાળા તાલુકાના 15 અને ધંધુકા તાલુકાના 9 નો સમાવેશ થાય છે. જોકે હજુ મોતનો આંકડો વધી શકે છે. જ્યારે હાલ 25 થી વધુ લોકોને ગંભીર અસર થતા હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. તમામ દર્દીઓની ભાવનગર હોસ્પિટલ ખાતે સારવાર ચાલી રહી છે. ત્યારે કથિત લઠ્ઠાકાંડની તપાસમાં 4 જિલ્લાની પોલીસ લાગી છે. કેમિકલ સપ્લાય કરનાર ઇસમનો ટેમ્પો પોલીસે જપ્ત કર્યો હતો. અમદાવાદ, ભાવનગર, બોટાદ અને અમરેલી જિલ્લાની પોલીસની મદદ લેવાઈ રહી છે. જોકે, કથિક લઠ્ઠાકાંડ મામલે SIT ની રચના કરવામાં આવી છે.
એટીએસના ડીઆઇજી દિપેન ભદ્રન, એસપી સુનિલ જોશી સહિત આખી ટીમ બરવાળા પહોંચી હતી. સમગ્ર કેસની એટીએસ દ્વારા ઝણવટભરી તપાસ કરવામાં આવશે. બોટાદના કથિક લઠ્ઠાકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. ગુજરાત પોલીસે કુલ પાંચ આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદ અને બોટાદથી આરોપીને રાઉન્ડ અપ કર્યા છે. અમદાવાદથી કેમિકલ મોકલનાર અને વેચનારને પોલીસે રાઉન્ડ અપ કર્યા છે. કેમિકલમાં પાણી અને દારૂ ભેળવી વેચતા હતા. અમદાવાદથી રીક્ષામાં કેમિકલ મોકલવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, દારૂ બનાવવા માટે મિથેનોલનો ઉપયોગ થયો હોવાનું સામે આવ્યું છે. અમદાવાદની એક ફેક્ટરીમાંથી મિથેનોલ લાવવામાં આવ્યો હતો. ત્યારે બરવાળા તાલુકાના ચોકડી ગામે દારૂ બનાવવામાં આવ્યો હતો. ચોકડી ગામના પીન્ટુ ગોરવા નામના બુટલેગર દ્વારા દારૂ બનાવવામાં આવ્યો હતો. ત્યારે લઠ્ઠાકાંડમાં મુખ્ય સૂત્રધાર બુટલેગર પીન્ટુ ગોરવા ઝડપાઈ ગયો છે.
બોટાદના એસપી કરણરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, "આશંકા છે કે આ લોકોએ કેમિકલયુક્ત પદાર્થનું સેવન કર્યું હતું. કેટલાક લોકોને ભાવનગર રીફર કરવામાં આવ્યા છે. તમામ લોકોના સેમ્પલ એસએફએલ ગાંધીનગરમાં મોકલવામાં આવ્યા છે. જેમણે કેમિકલ આપ્યું છે તેમની શોધખોળ ચાલુ છે." પાંચ-છ લોકોની અટકાયત કરવામાં આવી છે. 10 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. લગભગ 15 થી 20 લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેમિકલ ક્યાંથી આવ્યું તેની તપાસ ચાલી રહી છે. એટીએસની મદદ લેવામાં આવી રહી છે.