ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 24 નવેમ્બર 2021 (16:35 IST)

9 હજાર પગારની હોમગાર્ડની 6700 જગ્યાઓ માટે 35 હજાર બેરોજગારોએ ફોર્મ ભર્યા, માનદ વેતન 300 રૂપિયા 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળશે

ગુજરાતમાં હાલ LRD અને PSIની ભરતી પ્રક્રિયા પુરજોશમાં તૈયારીઓ થઈ રહી છે.તેની સાથે એક એવી ફોર્સ જે પોલીસનો ખભે ખભો મલાવીને કામ કરે છે તેવી હોમગાર્ડની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરાઈ છે.જેમાં 6700 જગ્યા માટે 35 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. માનદ સેવા ગણાતી આ ફોર્સમાં પણ ભરતીનો એટલો જ ઉત્સાહ છે. આવતીકાલથી અમદાવાદમાં હોમગાર્ડની ભરતી પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં ગ્રાઉન્ડ ટેસ્ટ પાસ કર્યા બાદ સ્થળ પર જ ડોક્યુમેન્ટ ચેક કરવાની પ્રક્રિયા હાથ ધરનાર છે.

ડિસેમ્બરના પહેલા સપ્તાહ સુધી આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે. હાલ 6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે. જે માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે.હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરજા ગોત્રુએ જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે તે પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાઈ છે. તેની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. જેમાં ટેક્નિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવમાં આવશે. આ વખતે પોલીસના અધિકારીને ભરતી પ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડને રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળે છે.

ગુજરાતમાં ઘણા લાંબા સમય બાદ સરકારી ભરતીની સીઝન આવી હોય એવું જોવા મળી રહ્યું છે. PSI, LRD અને બિનસચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતીપ્રક્રિયા શરૂ થઈ છે. આ તમામ ભરતીમાં કુલ મળીને 15,944 જેટલી જગ્યાઓ છે. એ માટે અંદાજે 24 લાખ જેટલા ઉમેદવારો આગામી 5 મહિનામાં પરીક્ષા આપીને સરકારી નોકરી મેળવવા આકરી મહેનત કરી રહ્યા છે. આમ 1 સરકારી નોકરીની જગ્યા સામે 150 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્ય સરકાર વાઈબ્રન્ટ ગુજરાત દરમિયાન યુવાનોને રોજગારી આપવાની વાત કરે છે. પણ ગુજરાતમાં બેરોજગારી ઘટવાની વાત તો દૂર, વધતી જાય છે. તેનો આ બોલતો પુરાવો છે. નોંધનીય છે કે, રૂપાણી સરકારના રાજીનામાં બાદ નવી રચાયેલી ભૂપેન્દ્ર પટેલની સરકારના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ નવી સરકારી નોકરીઓ અંગેની જાહેરાત અંગે જણાવ્યું હતું, જેમાં તેમણે બિનહથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, હથિયારી પોલીસ સબ-ઈન્સ્પેક્ટર, ઈન્ટેલિજન્સ ઓફિસર, બિનહથિયારી આસિસ્ટન્ટ સબ-ઈન્સ્પેક્ટર, લોકરક્ષક તથા મોટર ટ્રાન્સપોર્ટ અને વાયરલેસ જેવા ટેક્નિકલ સંવર્ગોના પોલીસ સબ-ઈન્સ્પેક્ટર અને ટેક્નિકલ ઓપરેટર તથા હોમગાર્ડ્સ અને ગ્રામ રક્ષકદળની મળીને અંદાજિત 27847 જગ્યા માટે ભરતીનું આયોજન આગામી 100 દિવસ કરવા અંગે વાત કરી હતી.