35 લાખની ફોર્ડ એન્ડેવર ફેરવનાર બિલ્ડરે 5 હજારનું ડીઝલ ચોર્યું, 8 વાર પેમેન્ટ કર્યા વગર ભાગ્યો, સીસીટીવીના આધારે ઝડપાયો
ઉમરગામ તાલુકાના ફણસાના ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજાએ 21મી સપ્ટેમ્બરના રોજ રાત્રિના 8.25 કલાકે નંદીગામના રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડેવયર કારમાં રૂ.5677.77નું ડીઝલ ભરાવી રૂપિયા ચૂકવ્યા વિના છૂ થઈ ગયો હતો. ભિલાડ પોલીસ મથકમાં કારચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાતાં પોલીસે યુવાનને ઝડપી પાડ્યો હતો. યુવાને આ અગાઉ ભિલાડ વિસ્તારમાં 2, પારડી ઉદવાડા વિસ્તારમાં ત્રણ અને મહારાષ્ટ્રના વસઈ તલાસરી પેટ્રોલ પંપ પર ત્રણવાર આ પરાક્રમ કર્યું હોવાની કબૂલાત કરી છે. ઉમરગામ તાલુકાના ફણસા ચાર રસ્તા પર રહેતો ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા (ઉં 25) 21મી સપ્ટેમબરના રોજ રાત્રિના 8.25 કલાકે ભિલાડ નજીક નંદીગામ ખાતે મુંબઇથી વાપી તરફ આવતા ને. હા. પર આવેલા રિલાયન્સ પેટ્રોલ પંપ પર એન્ડેવર કારમાં ડીઝલ ભરવા ગયો હતો. ફિલરમેનને બારકોડ સ્કેનરથી પેમેન્ટ કર્યું હોવાનું જણાવી તેમને વિશ્વાસમાં લઇ 58.77 લિટર ડીઝલ, કિંમત રૂ.5677.77નું ભરાવી ડિસ્પેનસરીમાંથી નોઝલ બહાર કાઢતાં રૂપિયા ચૂકવ્યા વિના વાપી તરફ કાર હંકારી મૂકી હતી.ફિલરમેન દ્વારા બૂમાબૂમ કરતાં પેટ્રોલ પંપનો સુપરવાઈઝર અને અન્ય ફિલર મેન આવે એ પહેલાં કારચાલક એન્ડેવર કાર લઈ રફુચક્કર થઈ ગયો હતો. કારચાલકનાં કરતૂત પેટ્રોલ પંપ પર લગાવેલાં સીસીટીવી કેમેરામાં કેદ થયાં હતાં. પાતળા બધાનો અને દાઢીવાળા કારચાલકે કારની પાછળની નંબર પ્લેટ કપડાંથી ઢાંકી દીધી હોવાનું સીસીટીવીમાં કેદ થયું હતું.આ બનાવ અંગે પેટ્રોલ પંપના ફિલરમેન મનોજભાઈ કમલેશભાઈ વડાને (રે,સંભા, તલાસરી,મહારાષ્ટ્ર)એ અજાણ્યા કારચાલક વિરુદ્ધ 25મી સપ્ટેમ્બરના રોજ ભિલાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ભિલાડ પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ બાદ પીએસઆઇ બીએચ રાઠોડે તપાસ હાથ ધરી હતી. ખાનગી બાતમીદાર અને વર્ણનના આધારે તપાસ હાથ ધરતાં કારચાલક ધવલસિંહ મહેન્દ્રસિંહ જાડેજા ફણસાનો હોવાનું બહાર આવતાં તેની અટક કરી હતી. ભિલાડ પોલીસ મથકમાં પહોંચતાં કારચાલક ધવલ ચૌહાણે પોતાનાં કરતૂત પોલીસ સમક્ષ કબૂલી લીધાં હતાં.