કાર ડૂબતાં 3 યુવકોએ લગાવી છલાંગ, 2 મહિલાઓને બચાવાઇ, ડ્રાઇવરનું મોત
રાજકોટ જિલ્લામાં હમણાં વરસાદી માહોલ જામ્યો છે. જેના લીધે નદી-નાળામાં પાણી ભરાઇ ગયા છે. એવામાં લોધિકા પોલીસમથક અંતગર્ત એક એસયૂવી કાર નદીમાં ડૂબી ગઇ હતી. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ બચાવ કાર્ય શરૂ કર્યું હતું. આ દરમિયાન ત્રણ યુવકોએ પોતાના જીવની ચિંતા કર્યા વિના પાણીમાં છલાંગ લગાવી અને બે મહિલાઓને બચાવી લીધી, પરંતુ સીલ્ટ બેલ્ટ ન ખુલતાં ડ્રાઇવરનું મોત નિપજ્યું છે.
ગ્રામજનોએ પણ બ્રિજ પરથી જ દોરડા વડે કારને બાંધીને વહેતી રોકી અને ત્યારબાદ ડ્રાઇવરની લાશ બહાર કાઢી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે કાર ચાલકની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.
લોધિકા તાલુકાના રાવકી ગામની રાવી નદીમાં આવેલા પૂરની ચપેટમાં એક કાર આવી ગઇ હતી. નદીમાં પૂર આવતાં ગામના લોકોએ નિર્માણધીન બ્રિજ પર ઉભા હતા. ગ્રામજનો પાસેથી મળતી માહિતી અનુસાર આ બ્રિજનું કામ ગત 6 મહિનાથી ચાલી રહ્યું છે અને ડાયવર્જન માટે કોઇ પણ પ્રકારની ચેતાવણી બોર્ડ લગાવવામાં આવ્યું નથી. તેના લીધે અહીંથી પસાર થતી કાર પૂરની ચપેટમાં આવી ગઇ હતી.