સરકારી આંકડા મુજબ 25-30 દરરોજ 25-30 મોત, તો ડેથ સર્ટિફિકેટ માટે 300-400 અરજી
હોસ્પિટલોમાં એડમિટ થવા માટે દર્દીઓની લાઇન, ડેડ બોડી લેવા માટે લાઇનો, અંતિમ ક્રિયા માટે સ્મશાનમાં લાઇનો, ઇંજેક્શન માટે લાઇન અને ડેથ સર્ટિફિકેટ માટે લાઇનો લાગી છે. સરકારી આંકડા અનુસાર સુરતમાં કોરોનાથી દરરોજ 25 થી 28 મોત થઇ રહ્યા છે, પરંતુ ડેથ સર્ટિફિકેટ માટે દરરોજ 300 થી 400 અરજી આવી રહી છે.
અઠવા જોનમાં ડેથ સર્ટિફિકેટ માટે દરરોજ સવારે 9:30 વાગ્યાથી લાઇનો લાગી રહી છે. જોકે શહેરના અન્ય ઝોનમાં ડેથ સર્ટિફિકેટ માટે લાઇનો નથી. સિવિલ હોસ્પિટલ અઠવા ઝોનમાં હોવાથી લાઇનો લાગી છે. મંગળવારે ડેથ સર્ટિફિકેટ માટે 300 થી 400 ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું હતું. સેટ્રલ ઝોન અને લિંબાયત ઝોનમાં સ્થિતિ સામાન્ય જોવા મળી રહી છે.
જન્મ અને મૃત્યુનું રજિસ્ટ્રેશન 21 દિવસમાં નિ:શુલ્ક થાય છે. ત્યારબાદ 21 થી 30 દિવસમાં 2 રૂપિયા અને એક મહિનાથી એક વર્ષની અંદર 5 રૂપિયા લેટ ફી અને નામિત અધિકારી, નોટરી, રાજ્ય સરકાર દ્વારા અધિકૃત કોઇ અધિકારીની અનુમતિ સાથે સોગંધનામું અને રજિસ્ટ્રેશન કરાવવું પડે છે.
કેટલાક વિસ્તારોમાં માઇક્રો-કંટેંટમેંટની જાહેરાત કરવામાં આવી છે. જેથી ત્યાંના લોકોએ અવર-જવર બંધ કરી દીધી છે. તેનાથી સમસ્યા વધી ગઇ છે. લોકો અને હોસ્પિટલને જન્મ અને મૃત્યું રજિસ્ટ્રેશન માટે અસુવિધા ન થાય એટલા માટે 1 માર્ચથી 30 જૂન સુધી જન્મ-મરણ પ્રમાણપત્રમાં લેટ ફી અને એફિડેવિટમાંથી મુક્તિ આપવામાં આવી છે.