Jamnagar News - જામનગરમાં ચાલુ ST બસનો કાચ તૂટતાં 2 વિદ્યાર્થી રસ્તા પર પટકાયા, જાનહાની ટળી
જામનગર શહેરના ગુલાબનગર પાસે આજે અકસ્માતની એક વિચિત્ર ઘટના બની હતી. ચાલુ એસટી બસનો પાછળનો કાચ તૂટી જતાં બે વિદ્યાર્થી રસ્તા પર પટકાયા હતા. સદનસીબે પાછળથી વાહન આવતું ન હોવાને કારણે બંને વિદ્યાર્થીનો ચમત્કારિક બચાવ થયો હતો. અકસ્માતની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. અકસ્માતમાં ઈજાગ્રસ્ત થનારા બંને વિદ્યાર્થીને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા
.જોડિયાથી જામનગર આવી રહેલી એસટી બસ આજે ગુલાબનગર પાસે પહોંચતાં સ્પીડબ્રેકર પાસે ડ્રાઈવરે બ્રેક મારી હતી. ત્યારે અચાનક પાછળના ભાગના કાચ તૂટી પડતાં પાછળ બેસેલા બે વિદ્યાર્થી નીચે પટકાયા હતા. જોરદાર અવાજ આવતાં જ ડ્રાઈવરે બસનો ઊભી રાખી દીધી હતી. આસપાસથી પસાર થતા વાહનચાલકો પણ રોકાઈ ગયા હતા. સદનસીબે પાછળથી કોઈ વાહન આવતું ન હોવાના કારણે બંને વિદ્યાર્થીનો બચાવ થયો હતો.ચાલુ બસમાંથી બંને વિદ્યાર્થી નીચે પટકાયા હતા. સીસીટીવીમાં જોઈ શકાય છે કે બંને વિદ્યાર્થી તરત રસ્તા પરથી ઊભા થઈ સાઈડમાં ચાલ્યા ગયા હતા. જોકે બંનેને હાથમાં ઈજાઓ પહોંચતાં સારવાર માટે જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે.
જામનગરના ગુલાબનગર સ્પીડબ્રેકર આવતાં જ એસટી બસના ચાલકે બ્રેક મારી હતી. આ સમયે જ પાછળનો કાચ ધડાકાભેર તૂટી પડ્યો હતો. જોકે બસમાં સવાર મુસાફરો નીચે કઈ રીતે પટકાયા એ પોલીસ અને એસટી વિભાગની તપાસ બાદ જ જાણી શકાશે.