આણંદ જિલ્લામાં ગુરુવારની રાત્રે વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો હતો. આ વખતે જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો હતો. જિલ્લાના બોરસદમાં ગાજવીજ અને તોફાની પવન સાથે માત્ર ચાર કલાકમાં 11 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો, જેને કારણે આભ ફાટ્યું હોય એમ સમગ્ર નગરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે રસ્તા પર નદીઓ વહેવા લાગી હતી તેમજ 11 જેટલાં પશુનાં મોત પણ થયાં હતાં. બોરસદમાં પડેલા ભારે વરસાદને કારણે એક શખસનું મોત પણ થયું છે. કસારી ગામે તળાવમાં સ્લિપ થતાં કુણાલ ઉર્ફે સંજુ લાલભાઈ પટેલનું મોત થયું છે.
આણંદ જિલ્લામાં રાત્રે મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા. જિલ્લાના બોરસદમાં તારાજી સર્જી હોય એવાં દૃશ્યો સામે આવ્યાં છે. માત્ર ચાર કલાકમાં 11 ઈંચ વરસાદથી પાણી-પાણી થયું હતું. મેઘમહેર થતાં અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં. આ પાણીના નિકાલ માટે પાલિકાની ટીમે રાત્રે જ ઓપરેશન હાથ ધરી દીધું હતું. દબાણો દૂર કરવા ઉપરાંત સાફ ન થયેલા કાંસનું તાત્કાલિક સફાઇ કરવાનું શરૂ કર્યું હતું.