ખેડૂતોની દરેક જાણકારી સરકાર રાખશે; ડેટા એકત્ર કરવા 1 લાખ ખેડૂતોને લોનથી 15 હજારનો સ્માર્ટ ફોન આપશે
રાજ્યના ખેડૂતોનો ડેટા એક જ ક્લિકમાં મળી રહે તથા ખેડૂતો સાથે સીધો સંપર્ક સ્થપાય એ હેતુસર ગુજરાત સરકાર રાજ્યના 1 લાખ ખેડૂતો પાસે વ્યાજમુક્ત લોન દ્વારા સ્માર્ટફોન ખરીદાવશે. 15 હજારની કિંમત સુધીનો ફોન ખરીદવા માટે કૉ-ઓપરેટિવ બેન્કમાંથી લોન મળશે જેનું વ્યાજ સરકાર ચૂકવશે જ્યારે હપ્તા ખેડૂતોએ ભરવાના રહેશે. દરેક ખેડૂતનું એક અલગ એકાઉન્ટ મેન્ટેઇન કરવા રાજ્ય સરકાર દ્વારા 1 લાખ ખેડૂતોને સ્માર્ટ મોબાઇલ ફોનથી સજ્જ કરવાનું આયોજન કર્યું છે. આ બાબતે સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થશે. નૉ યોર ફાર્મર(કેવાયએફ) પહેલ હેઠળ આ યોજના તૈયાર થઇ ગઇ છે અને એક લાખ ખેડૂતોને સ્માર્ટ ફોન આપવાનું રાજ્ય સરકારે આયોજન કરી લીધું છે. રાજ્ય સરકાર દ્વારા જુદી જુદી યોજનાઓની માહિતી,સબસિડી, લોન,સહાય સહિતની સેવાઓ ખેડૂતને મળી કે નહીં ? મળી તો કેટલી મળી તે તમામ બાબતોનું સીધું મોનિટરિંગ રાજ્ય સરકાર કરી શકે તેટલા માટે ખેડૂતોને સ્માર્ટ ફોન અપાશે. આ માટેનું આયોજન રાજ્યના કૃષિ વિભાગે કરી લીધું છે અને આગામી દિવસોમાં વિગતવાર યોજનાની જાહેરાત કરાશે. દરેક જિલ્લામાં ખેડૂતોને સ્માર્ટ ફોન અપાશે. આ માટેની અરજીઓ મંગાવવામાં આવશે અને પછી તેના આધારે ખેડૂતોને સ્માર્ટ ફોન અપાશે. આ યોજના કેન્દ્ર સરકારની નૉ યોર ફાર્મર યોજના હેઠળ તૈયાર થશે. આ યોજનામાં 15 હજારની કિંમત સુધીનો સ્માર્ટ ફોન ખેડૂતે પોતે તેની પસંદગી પ્રમાણેનો ખરીદવોના રહેશે. આ માટે આઇ-પોર્ટલ પર અરજીઓ મંગાવવામાં આવશે. એક લાખ કરતા વધારે અરજી આવશે તો તેનો ડ્રો થશે અને ડ્રોમાં જે ખેડૂતની પસંદગી થશે તે ખેડૂતને મોબાઇલ ફોન અપાશે. મોબાઇલ માટેનું ધિરાણ કો-ઓપરેટિવ બેન્ક કરશે અને તેના હપ્તા ખેડૂતે ચૂકવવાના રહેશે, પણ વ્યાજ રૂ. 1500 જેટલું સરકાર ભોગવશે.મોબાઇલ ખરીદયા પછી તેનું બિલ ગ્રામ પંચાયતમાં વીએલસી સમક્ષ રજૂ કરવાનું રહેશે. ખેડૂતની વ્યકિતગત માહિતી જોઇએ તો મળવી મુશ્કેલ બને છે. આથી દરેક ખેડૂતનું મોબાઇલના નંબરના આધારે એક એકાઉન્ટ બનશે. આ એકાઉન્ટમાં ખેડૂતની તમામ વિગત મેઇન્ટેન કરાશે.જ્યારે પણ કોઇ માહિતી જોઇએ તો તે તાત્કાલિક સીધી કૃષિ વિભાગ જ મેળવી શકે તેટલા માટે સ્માર્ટ ફોનના આધારે એકાઉન્ટ તૈયાર થશે. કેટલા ખેડૂતોએ કયો પાક વાવ્યો હતો, કેટલા ખેડૂતને સબસિડી મળી અને કેટલાને નથી મળી,પાકલક્ષી,હવામાનના સંદેશ જેવી અનેક બાબતો તાત્કાલિક મળી રહે તેટલા માટે સ્માર્ટ ફોન અપાશે.