સુરતના વરાછામાં લોકોનો પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર
તાજેતરમાં જ એક રીપોર્ટમાં એવો ખુલાસો થયો હતો કે ગુજરાતની જનતા સત્તાધીશ સરકારના કાર્યોથી ખુશ નથી. રાજ્યમાં લોકો શિક્ષણ પાણી અને ટ્રાફિક સહિત ખેડૂતોના અનેક પ્રશ્નોથી સરકારથી નારાજ જોવા મળી રહ્યાં છે. ત્યારે આગામી લોકસભા ચૂંટણીમાં લોકો સરકાર સામે બાંયો ચડાવી રહ્યાં છે. રાજ્યમાં નાના ગામડાઓમાં લોકો પ્રાથમિક સુવિધાઓ માંગી રહ્યાં છે જો તે નહીં મળે તો મતદાન નહીં કરીને ચૂંટણીનો બહિષ્કાર કરવાની પણ ચીમકીઓ ઉચ્ચારી રહ્યાં છે. ત્યારે સુરતના મોટા વરાછા વિસ્તારના લોકોએ અધધ પાણી બીલના વિરોધમાં ચૂંટણી બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે. અને ચૂંટણી પહેલાં પાણી બિલ માફ નહીં કરવામાં આવે તો મતદાનનો બહિષ્કાર કરવાના બેનરો લગાવ્યા છે. મોટા વરાછા, છાપરાભાઠા સહિતના વિસ્તારોમાં કોર્પોરેશને 24*7 યોજના હેઠળ પાણી મીટર દ્વારા આપવામાં આવી રહ્યું છે. જોકે, પાણીના વપરાશ કરતા મસમોટા બિલ આવતા હોવાથી ઘણા સમયથી રહિશો વિરોધ કરી રહ્યા છે.