બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જુલાઈ 2022 (12:53 IST)

સાબર ડેરીના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને અન્ય પ્રોજેક્ટસનું વડાપ્રધાન ઉદ્દઘાટન કરશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરૂવાર, તા.28 જુલાઈના રોજ સાબરકાંઠા જીલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ (સાબર ડેરી) ના મેગા મિલ્ક પાવડર પ્લાન્ટ અને અન્ય પ્રોજેક્ટસનું ઉદ્દઘાટન કરશે.
 
સાબર ડેરી, હિંમતનગર ખાતેનો અદ્યતન મિલ્ક પાવડર પ્લાન્ટ દૈનિક 120 મે.ટનની ક્ષમતા ધરાવે છે. વડાપ્રધાન સાબર ડેરીના દૈનિક 3 લાખ લીટર ક્ષમતાના અલ્ટ્રા હાઈ ટેમ્પરેચર (યુએચટી) મિલ્ક પાવડર પ્લાન્ટનું ઈ-ઉદ્દઘાટન કરશે તથા દૈનિક 30 મે.ટન ક્ષમતાના ચીઝ પ્લાન્ટ અને વ્હે પ્રોસેસીંગ પ્લાન્ટનું  ભૂમિપૂજન પણ કરશે.
 
આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નવસારીના સાંસદ અને ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને ગુજરાતના સહકાર અને ઉદ્યોગ મંત્રી જગદીશ વિશ્વકર્મા ઉપસ્થિત રહેશે.
 
ગુજરાત કો-ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (જીસીએમએમએફ) અને સાબર ડેરીના ચેરમેન શ્રી શામળભાઈ પટેલ જણાવે છે કે “વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનરી નેતૃત્વ હેઠળ ભારત આત્મનિર્ભર બનવા કટિબધ્ધ છે.” સાબર ડેરી ખાતે અમે ખેડૂતોની આવકમાં વધારો કરીને સરકારના વિઝન અને મિશનમાં યોગદાન આપવા માટે કટિબધ્ધ છીએ. અમારો નવો મિલ્ક પાવડર પ્લાન્ટ, યુએચટી પ્લાન્ટ અને ચીઝ તથા વ્હે પ્રોસેસીંગ પ્લાન્ટ હાઈ ક્વોલિટી દૂધ અને દૂધની પ્રોડક્ટસના પૂરવઠામાં વધારો કરવામાં તથા અમારા સભ્યોની આવક વધારવામાં લાંબેગાળો મોટું યોગદાન આપશે.
 
સાબર ડેરી એ જીસીએમએમએફનો હિસ્સો છે કે જે અમૂલ બ્રાન્ડ હેઠળ દૂધ અને દૂધના ઉત્પાદનોનું માર્કેટીંગ કરે છે. અમૂલ તેના 75 વર્ષની ઉજવણીના વર્ષમાં રૂ.61000 કરોડનું ટર્ન ઓવર કરીને દેશમાં સૌથી મોટી ફૂડ અને એફએમસીજી પ્લાન્ટ તરીકેનું સ્થાન મજબૂત બનાવી રહ્યું છે. તેને દુનિયામાં સૌથી મોટા 8મા ક્રમની ડેરી સંસ્થા તરીકેનું રેન્કીંગ પણ પ્રાપ્ત થયું છે.