સોમવાર, 25 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જાન્યુઆરી 2020 (13:08 IST)

સમગ્ર દેશમાં વસતીના ધોરણે ગુજરાતમા 1 હજાર વ્યક્તિઓએ કેટલા વાહનો છે

રાજકોટ સહિત રાજયભરમાં ગંભીર ટ્રાફીક સમસ્યા વિશે વખતોવખત ઉહાપોહ થતો રહે છે. વાહનોથી ઉભરાતા રસ્તાઓ પાછળનું એક કારણ છે અને તે છે વાહનોની સંખ્યા! સમગ્ર ભારતમાં વસતીના પ્રમાણમાં વાહનોની સંખ્યામાં ગુજરાત ટોચ પર છે. રાજયમાં દર 1000 નાગરિકો દીઠ 450 વાહનો છે.કેન્દ્રીય પરિવહન મંત્રાલય દ્વારા રજીસ્ટર્ડ વાહનોનું આંકડાકીય વિશ્ર્લેષણ કરીને રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે તેમાં વસતીના આધારે વાહનોની સૌથી વધુ સંખ્યા ગુજરાતમાં હોવાનું દર્શાવાયું છે. 31મી ડિસેમ્બર 2019 સુધીની વાહનોની આંકડાકીય માહિતીના આધારે રિપોર્ટ તૈયાર થયો છે. માત્ર 2019 જ નહી, છેલ્લા પાંચ વર્ષથી વાહનોની સંખ્યામાં ગુજરાતમાં ટોચ પર છે.

ગુજરાતમાં 1500 નાગરિકો દીઠ 450 વાહન છે. દેશમાં બીજો ક્રમ તામીલનાડુનો છે. જયાં 1000 માણસોએ 445 વાહનો છે. કર્ણાટકમાં 372, મહારાષ્ટ્રમાં 335 તથા ઉતરપ્રદેશમાં 190 વાહનો છે.નિષ્ણાંતોએ એવો સૂર દર્શાવ્યો છે કે શહેરોમાં નબળી પબ્લીક ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા, ગામડાઓમાં ઓછી બસ સુવિધા તથા વ્યક્તિગત ધોરણે વાહનો રાખવાની માનસિકતાને કારણે ગુજરાતમાં વાહનોની સંખ્યા વધુ છે. સમગ્ર ભારતમાં વાહનોની કુલ સંખ્યા 31.72 કરોડ છે તેમાંથી 49 ટકા વાહનો માત્ર ગુજરાત, મહારાષ્ટ્ર, ઉતરપ્રદેશ, કર્ણાટક અને તામીલનાડુ એવા પાંચ રાજયોમાં છે.સૌથી વધુ 11.99 ટકા વાહનો મહારાષ્ટ્રમાં છે. બીજા ક્રમે ઉતરપ્રદેશમાં 11.38 ટકા, તામીલનાડુમાં 10-11 ટકા, ગુજરાતમાં 8.54 ટકા તથા કર્ણાટકમાં 7.19 ટકા છે.પરિવહન મંત્રાલયની 2017ની ‘પર-બુક’માં એમ દર્શાવવામાં આવ્યું છે કે ગુજરાતમાં 2.21 કરોડ રજીસ્ટર્ડ વાહનો છે તેમાંથી બે કરોડ નોન-કોમર્સીયલ અર્થાત ખાનગી વાહનો છે. 25.28 લાખ કાર છે. 2017 થી 2019ના ત્રણ વર્ષમાં નવા 51 વાહનોનો ઉમેરો થયો છે.

માર્ગ સલામતી ક્ષેત્રના નિષ્ણાંતો, જો કે, એવી ટકોર કરી રહ્યા છે કે ખાનગી વાહનોની વધતી સંખ્યા જાહેર પરિવહન સેવાની નિષ્ફળતાનો પુરાવો છે.ગુજરાતમાં રાજકોટ, અમદાવાદ સહિતના શહેરોમાં બીઆરટીએસ તથા સીટી બસ સેવા ઉપલબ્ધ છે. મહાનગરો કરતા કામકાજના સ્થળોનું તર પ્રમાણમાં ઓછું છે એટલે લોકો ખાનગી વાહનોમાં જ મુસાફરી કરવાનું પસંદ કરે છે.રાજય સરકારના એક સીનીયર અધિકારીએ જણાવ્યું હતું કે, અમદાવાદને લાગેવળગે છે ત્યાં સુધી શહેરમાં બીઆરટીએસની શરુઆત પુર્વે આઠ લાખ લોકો સીટીબસનો ઉપયોગ કરતા હતા. પરંતુ હવે સીટીબસ તથા બીઆરટીએસનો ઉપયોગ કરનારાની સંખ્યા ઘટીને 6.50 લાખ થઈ ગઈ છે.આ સિવાય મોટાભાગના ગામડાઓમાં બસ સેવા દૈનિક એક કે બે વખત જ મળે છે. પરિણામે લોકોને ફરજીયાતપણે ખાનગી વાહનો વાપરવા પડે છે. શહેરોમાં પણ બસ માટે 10-15 મીનીટની રાહ જોવી પડે છે. તેટલીવારમાં છ કીમીનું અંતર કપાઈ શકે છે. લોકો સમય બગાડવા તૈયાર થતા નથી. અમદાવાદ ટ્રાફિક સલાહકાર સમિતિના મંત્રી બીરેન પટેલે કહ્યું કે અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા જેવા મહાનગરોમાં જાહેર પરિવહન વ્યવસ્થા લોકોની જરૂરિયાતને અનુરૂપ નથી. આ સિવાય ગુજરાતીઓ પોતાના વાહનોમાં જ જવાનું વધુ પસંદ કરે છે.