ગુરુવાર, 14 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત ન્યુઝ
  3. રાજકોટ ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 1 જુલાઈ 2020 (13:02 IST)

14મીથી રાજકોટ-દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટઃ જાણો કેટલું ભાડું થશે

એર ઇન્ડિયા 14 જુલાઈથી રાજકોટથી દિલ્હી વાયા સુરત નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. લોકડાઉનના સમયથી રાજકોટથી દિલ્હીની ફ્લાઈટ ત્રણ મહિનાથી બંધ છે ત્યારે હવે આગામી એક પખવાડિયા બાદ એર ઇન્ડિયા ફરી નવા શિડ્યૂલ સાથે રાજકોટથી દિલ્હી નવી ફ્લાઈટ શરૂ કરી રહ્યું છે. આ ફ્લાઈટ વાયા સુરત થઇને જશે. ફ્લાઈટ નં. AI-403 દિલ્હીથી બપોરે 14.10 કલાકે ટેકઓફ થઇ રાજકોટ એરપોર્ટ પર 15.50 કલાકે લેન્ડ થશે. રાજકોટથી આ ફ્લાઈટ સાંજે 17.00 કલાકે ટેકઓફ થશે અને સુરત એરપોર્ટ પર 17.45 કલાકે ઉતરશે. સુરતથી સાંજે 19.00 કલાકે આ ફ્લાઈટ દિલ્હી જવા ઉડાન ભરશે અને રાત્રે 21.00 કલાકે દિલ્હી એરપોર્ટ પર પહોંચશે. એર ઇન્ડિયાનો આ શિડ્યૂલ 14 જુલાઈથી 20 ઓગસ્ટ સુધીનો છે. રાજકોટથી દિલ્હી વાયા સુરતની ફ્લાઈટ સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને ગુરુવારે ઉડાન ભરશે. આ ફ્લાઈટનું રાજકોટથી સુરતનું ભાડું રૂ. 1705 અને રાજકોટથી દિલ્હીનું ભાડું રૂ. 6432 નક્કી કરાયું છે. એર ઇન્ડિયાએ મંગળવારે જાહેર કરેલા શિડ્યૂલમાં રાજકોટથી દિલ્હી ઉપરાંત જામનગરથી મુંબઈ પણ નવી ફ્લાઈટ ઉડાવવા આયોજન કર્યું છે. રાજકોટથી સુરત હવે ફ્લાઈટ પણ શરૂ થવાની છે ત્યારે રાજકોટથી સુરત એસ.ટી. બસની સીટિંગની ટિકિટ રૂ. 248 હોય છે. સ્લિપિંગ કોચની ટિકિટ રૂ. 324 છે. રાજકોટથી સુરત વોલ્વો કે એ.સી સ્લિપર સંચાલિત થતી નથી પરંતુ ટ્રાવેલ્સ એ.સી.સીટિંગ અને સ્લિપર ચલાવી રહ્યા છે. ટ્રાવેલ્સમાં રાજકોટથી સુરતનું અંદાજિત ભાડું રૂ. 800 જેટલું રહે છે. બસમાં સુરત સુધીની મુસાફરીનો સમય 10 કલાક જેટલો થઇ જાય છે જ્યારે ફ્લાઈટ રૂ. 1705માં માત્ર અડધો -પોણો કલાકમાં સુરત પહોંચાડે છે. સ્પાઈસ જેટે 1 જુલાઈથી રાજકોટથી મુંબઈ રોજ બે ફ્લાઈટ ઓપરેટ કરવાની જાહેરાત કરી હતી, પરંતુ આજથી બે ફ્લાઈટ તો દૂર એક ફ્લાઈટ શરૂ કરવાનો પણ ફિયાસ્કો થયો છે. સંભવત હજુ આવતા એક મહિના સુધી સ્પાઈસ જેટ રાજકોટથી મુંબઈની ફ્લાઈટ શરૂ નહીં કરે.