હાર્દિક પટેલના સમર્થનમાં પગપાળા સદભાવના યાત્રાનું આયોજન
પાટીદાર નેતા હાર્દિક પટેલના સમર્થનમાં રવિવારે પાટીદારોએ પાટણથી ઉંઝા ઉમિયા ધામ સુધી પગપાળા સદભાવના યાત્રાનું આયોજન કર્યું હતું. આ સદભાવના યાત્રામાં હજારોની સંખ્યામાં પાટીદાર સમર્થકો જોડાયા હતા. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ જોડાઇ હતી. પાટણના ખોડિયાર મંદિરથી ઊંઝા ઉમિયા માતા મંદિર સુધી 31 કિલોમીટર લાંબી સદભાવના પદયાત્રા શરૂ કરી હતી.. મુસ્લિમ બિરાદરોએ શાંતિદૂત સફેદ કબૂતરોને ઉડાડીને રથનું પ્રસ્થાન કરાવ્યું હતું. પદયાત્રામાં દલિત સમાજ અને ઓબીસી સમાજના લોકો પણ જોડાયા હતા.
સદભાવના યાત્રામાં પાટણના 90 ગામના લોકો જોડાયા હતા. તે સિવાય સાબરકાંઠા, અરવલ્લી, હિંમતનગર, મહેસાણાથી મોટી સંખ્યામાં પાટીદારો ઉમટી પડ્યા હતા. યાત્રા પાટણમાં ફર્યા બાદ ઉંઝા ઉમિયા મંદિરે જવા રવાના થશે. કોઇ અનિચ્છનિય ઘટના ના બને તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત કરાયો હતો. આ પદયાત્રા પાટણથી નીકળી ઉમિયાધામ ઉંઝા ખાતે પહોચશે. સરકારની સદબુદ્ધિ માટે ખાસ આ સદભાવના યાત્રા કરવામાં આવી છે.